
બેંગલૂરુ: કર્ણાટક સરકારે બેંગલૂરુમાંની ધક્કામુક્કીના કેસમાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનની સામે ફોજદારી કેસ ચલાવવા મંજૂરી આપી દીધી હતી. કર્ણાટકના પ્રધાનમંડળની બેઠકમાં જસ્ટિસ માઇકલ ડી’કુન્હા પંચના અહેવાલને સ્વીકાર્યા બાદ સંબંધિત નિર્ણય લેવાયો હતો. તપાસના અહેવાલમાં સંબંધિત કાર્યક્રમના આયોજનમાં અનિયમિતતા અને ગરબડ થઇ હોવાનો દાવો કરાયો હતો અને આ અહેવાલને આધારે ફોજદારી કાર્યવાહીનો આદેશ અપાયો હતો.
આઈપીએસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય યોગ્ય
કર્ણાટક સરકારે આઇપીએસ અધિકારી વિકાસકુમારને સસ્પેન્ડ કરવાના પગલાંને આજે વડી અદાલતમાં યોગ્ય ઠેરવતા દલીલ કરી હતી કે આ અધિકારી અને તેમના સાથીઓએ આઇપીએલમાંના વિજયની ઉજવણીની તૈયારીમાં ‘રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ના સેવકો’ હોય એ રીતે કામ કર્યું હતું.
આ પણ વાંચો: વિરાટનો કયો વીડિયો કર્ણાટક સરકારનું નિશાન બન્યો છે? બેંગલૂરુની દુર્ઘટના માટે દોષી ગણાવ્યો!
વિજય ઉજવણી સંબંધમાં આરસીબીએ દરખાસ્ત સોંપી હતી
બેંગલૂરુમાં ધક્કામુક્કીની આ ઘટનામાં 11 જણ માર્યાં ગયાં હતાં અને અન્ય 33 જણ ઘાયલ થયાં હતાં. રાજ્ય સરકારના વકીલ પી. એસ. રાજગોપાલે અદાલતને જણાવ્યું હતું કે આઇપીએલની ફાઇનલ મૅચની પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુએ વિજયની ઉજવણીના સંબંધમાં પોલીસ અધિકારીઓને એક દરખાસ્ત સુપરત કરી હતી.
પોલીસ અધિકારીઓ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગયા
અધિકારીઓએ મોટા પાયે લોકો ભેગા થાય તે વખતની સલામતી વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેના માટે પોતાનાથી ઊંચા હોદ્દા પરના લોકોની સાથે સલાહમસલત નહોતી કરી અને અન્ય જરૂરી પરવાનગી મેળવવામાં આવી છે કે નહિ, તેની તપાસ પણ નહોતી કરી. રાજગોપાલે જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગયા હતા અને કર્ણાટક સ્ટેટ પોલીસ ઍક્ટની કલમ 35 મુજબ પગલાં નહોતા લીધાં.
આ પણ વાંચો: આરસીબી જ જવાબદાર, પોલીસ પાસે કંઈ અલ્લાદિનનું ચિરાગ નથીઃ ટ્રિબ્યૂનલ…
પોલીસે કબૂલ્યું કે સ્ડેડિયમમાં પૂરતી સલામતીની વ્યવસ્થા નહોતી
ન્યાયાધીશ એસ. એમ. પંડિત અને ન્યાયાધીશ ટી. એમ. નદફની બનેલી બૅન્ચે સવાલ કર્યો હતો કે આ સ્ટેડિયમની સલામતી વ્યવસ્થાનું કોણ ધ્યાન રાખતું હતું? તેના જવાબમાં રાજગોપાલે જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ અધિકારીએ પણ કબૂલ કર્યું હતું કે સ્ટેડિયમમાં પૂરતી સલામતી વ્યવસ્થા નહોતી.
પોલીસ અધિકારી ભગવાન કે જાદુગર નહીં હોવાની ટિપ્પણી કરી હતી
અગાઉ, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે પોલીસ અધિકારીનું સસ્પેન્શન રદ કરવાનો અને સસ્પેન્શનના સમય વખતનો પૂરો પગાર અને ભથ્થાં આપવાનો આદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસ અધિકારી ભગવાન કે જાદુગર નથી, પણ એક માનવ જ છે.
(એજન્સી)