સ્પોર્ટસ

લગ્નની પ્રપોઝલ આવતાં છોકરી જોવા ગયો, પણ પછી સ્ટેડિયમ પર પહોંચી ગયો જીવ ગુમાવ્યો!

બેંગ્લૂરુમાં ટીનેજરે વીડિયો કૉલ કરીને મમ્મીને સેલિબ્રેશન બતાવ્યું અને ત્યાર બાદ ધક્કામુક્કીમાં મૃત્યુ પામ્યો

બેંગલૂરુઃ બુધવારે બેંગલૂરુ (BENGALURU)ના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ઐતિહાસિક ઉજવણી દરમ્યાન થયેલી ધક્કામુક્કી (STEMPEDE)ના બનાવમાં જીવ ગુમાવનાર 11 જણમાં મોટા ભાગના લોકો યુવા વર્ગના હતા અને તેઓ કેવી રીતે મૃત્યુ પામ્યા તેમ જ પરિવારજનોએ તેમના વિશે કેવી આપવીતી જણાવી એનો હૃદયદ્રાવક અહેવાલ બહાર આવ્યો છે.

એક કિસ્સામાં તો ચિન્મયી શેટ્ટી નામની ટીનેજરને ક્રિકેટનો ખાસ કંઈ ક્રેઝ નહોતો એમ છતાં તે સહ-વિદ્યાર્થિનીના આગ્રહથી સ્ટેડિયમ (STADIUM) તરફ ગઈ હતી અને નાસભાગમાં જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો: બેંગલૂરુમાં આરસીબીની ઇવેન્ટ વખતે ભાગદોડમાં મૃત્યુ પામેલાઓમાં મોટા ભાગના ટીનેજર, કેટલાક વ્યાવસાયિકો

11 મૃતકમાં ઘણા ટીનેજર અને કેટલાક એન્જિનિયરઃ

(1) 14 વર્ષની દિવ્યાંશી બી. એસ.: અગિયાર મૃતકોમાં સૌથી નાની ઉંમરની દિવ્યાંશી ક્રિકેટ-ક્રેઝી હતી. નવમા ધોરણમાં ભણતી દિવ્યાંશી સુપરસ્ટાર ખેલાડી વિરાટ કોહલીની ફૅન હતી અને તેને નજીકથી જોવા માગતી હતી. તે પશુઓની ડૉક્ટર બનવા માગતી હતી. તે કોહલી ઉપરાંત સચિન, કપિલ દેવ સહિતના ક્રિકેટરો વિશે પણ ઘણું જાણતી હતી. જીવનના સંઘર્ષોનો સામનો કેવી રીતે કરવો એ વિશે ઘણી વાર મમ્મીને સલાહ આપી ચૂકી હતી. જોકે ખુદ નાસભાગનો શિકાર થઈ ગઈ.

(2) 20 વર્ષનો મનોજ કુમારઃ પાણી પૂરી વેચતા પિતાનો આ પુત્ર વિધાન સભા ખાતેનું સેલિબ્રેશન જ જોવાનું કહીને ઘરેથી ગયો હતો, પણ બે મિત્રો સાથે સ્ટેડિયમ ખાતે પહોંચ્યો અને ધક્કામુક્કીમાં જીવ ગુમાવ્યો.

(3) બાવીસ વર્ષનો પ્રજવલ જી.: એન્જિનિયરિંગ ગ્રેજ્યૂએટ અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા પ્રજવલે મંગળવારે મિત્રો સાથે આરસીબીની જીત ઉજવી અને બુધવારે મમ્મીએ ના પાડી હોવા છતાં સ્ટેડિયમ સુધી ગયો અને ભાગદોડમાં જીવ ગુમાવી દીધો. એકનો એક દીકરો ગુમાવનાર યુગલે કહ્યું કે `સરકારે અમારા દીકરાનો જાન લીધો.’

(4) 26 વર્ષનો પૂર્ણ ચંદ્રાઃ મૈસૂરુનો આ સિવિલ એન્જિનિયર આરસીબીનો ડાઇ-હાર્ડ ફૅન હતો. પિતાના આગ્રહથી બેંગલૂરુ આવ્યો હતો અને લગ્ન માટે જે પરિવાર તરફથી માગું આવ્યું હતું એ પરિવારની છોકરીને મળવા તેના ઘરે ગયો હતો. છોકરીને મળીને તેના ઘરેથી નીકળીને (પપ્પા-મમ્મીને કહ્યા વગર) સીધો સ્ટેડિયમ પહોંચી ગયો અને સાંજે છ વાગ્યે તેના પપ્પાને કૉલ આવ્યો હતો કે `ધક્કામુક્કીમાં તમારા દીકરાનું મૃત્યુ થયું છે.’

(5) 19 વર્ષની ચિન્મયી શેટ્ટીઃ એન્જિનિયરિંગનું ભણતી આ ટીનેજરે બહુ ક્રિકેટ જોવાનો શોખ નહોતો, પણ ક્લાસની મિત્રોના આગ્રહથી સ્ટેડિયમ પહોંચી હતી અને સાંજે તેના પૅરેન્ટ્સને કૉલ આવ્યો કે તમારી દીકરીનું નાસભાગમાં મૃત્યુ થયું છે. તેના પિતાએ એક મુલાકાતમાં કહ્યું, `હું લાખો રૂપિયાના વળતરનું શું કરું? મને મારી દીકરી પાછી જોઈએ.’

(6) 17 વર્ષીય શિવાલિંગુ ચન્ડપ્પાઃ મજૂરનો આ વહાલસોયો દીકરો એક ટ્રાન્સફર સર્ટિફિકેટ લેવા નજીકના ગામમાંથી બેંગલૂરુ આવ્યો હતો. સર્ટિફિકેટ મેળવ્યા પછી સીધો સ્ટેડિયમ પહોંચી ગયો હતો. પિતાએ ઘરમાં ટીવી પર વિધાન ભવન નજીક ભેગા થયેલા હજારો લોકોને જોઈને પરિવારજનને કહ્યું, `શું કામ આટલા બધા લોકો આ રીતે ઊમટી પડતા હશે, જોખમ કહેવાય.’ સાંજ સુધી પુત્રનો ફોન ન આવ્યો અને અચાનક તેમને ફોન પર જાણ કરાઈ કે તમારો દીકરો સ્ટેડિયમ નજીકની ધક્કામુક્કીમાં મૃત્યુ પામ્યો છે.

(7) 19 વર્ષનો ભૂમિક લક્ષ્મણઃ ઘરે કહ્યા વગર મિત્રો સાથે સ્ટેડિયમ પર પહોંચી ગયો હતો અને બપોરે ત્રણ વાગ્યે મમ્મીને વીડિયો કૉલ કરીને હજારો ક્રાઉડ સાથેની સેલિબ્રેશનની ઝલક બતાવી હતી. જોકે પછીથી પરિવારને જાણ કરાઈ કે ધક્કામુક્કીમાં ભૂમિકનું મૃત્યુ થયું છે.

(8) 29 વર્ષની કામાક્ષી દેવીઃ ઍમેઝોન કંપનીમાં વિશ્લેષક તરીકે નોકરી કરતી આરસીબી-ફૅન કામાક્ષીના લગ્ન નક્કી થવાના જ હતા ત્યાં તે આ ઘટનાનો ભોગ બની. ઑફિસની બે કલીગ સાથે સ્ટેડિયમમાં ગઈ અને સાત નંબરનો ગેટ અડધો ખૂલ્યા બાદ થયેલી ભારે ધક્કામુક્કીમાં કામાક્ષીનો જીવ ગયો હતો અને બન્ને સાથીઓ ઘાયલ થઈ હતી.

(9) પચીસ વર્ષની સહાના રાજેશઃ જાણીતી કંપનીની આ સૉફ્ટવેર એન્જિનિયર મમ્મી-પપ્પાને કહ્યા વગર આઠ મિત્રો સાથે સ્ટેડિયમ પર ગઈ હતી. નાની બહેનને ડૉક્ટર બનાવવાનું સપનું પૂરું કરવા માટે મક્કમ સહાના ક્યારેય પૅરેન્ટ્સનું દિલ નહોતી તોડતી, પણ આ રીતે અચાનક સ્ટેડિયમ પર ગઈ અને જીવ ગુમાવ્યો.

(10) 26 વર્ષની અક્ષતા પૈઃ આ મહિલા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતી અને પતિ આશય સાથે ઑફિસમાંથી અડધા દિવસની રજા લઈને આરસીબીની નવી જર્સી ખરીદીને સ્ટેડિયમ પર પહોંચી હતી. ગીરદીમાં પતિનો હાથ સતત પકડી રાખ્યો હતો, પણ 17 નંબરના ગેટમાં ખૂલતાં જ ધક્કામુક્કી થઈ અને બન્ને જણ નીચે પડ્યા હતા. ખૂબ મદદ માગી. કોઈકે આશયને બચાવ્યો, પણ અક્ષતાનો હાથ છૂટી ગયો હતો અને તે ક્યાંક દૂર ફંગોળાઈ ગઈ હતી અને કચડાઈ ગઈ હતી. રાત્રે ડૉક્ટરે અક્ષતાને મૃત જાહેર કરી હતી.

(11) 20 વર્ષનો શ્રવણ કે. ટી.: આ ડેન્ટલ સ્ટૂડન્ટ ઘરે કહ્યા વગર મિત્રો સાથે આરસીબીની ઇવેન્ટ માણવા સ્ટેડિયમ પર પહોંચી ગયો હતો. દાદા-દાદીનો વહાલસોયો શ્રવણ પોતાના વિસ્તારના ભૂખ્યાઓને અન્નદાન કરવા માટે હંમેશાં આગળ આવતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button