5 નવેમ્બરે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો જન્મદિવસ છે પાંચ નવેમ્બરના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. આ અવસરને યાદગાર બનાવવા માટે બંગાળ ક્રિકેટ એસોસિએશને સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
5 નવેમ્બરે સ્ટેડિયમમાં લગભગ 70 હજાર ફેન્સ વિરાટ કોહલીના માસ્કમાં જોવા મળશે. આ ઉપરાંત ખાસ કેક કાપવામાં આવશે. બંગાળ ક્રિકેટ એસોસિએશન વિરાટ કોહલીના જન્મદિવસને ખાસ બનાવવા માટે કોઈ કસર છોડવા માંગતું નથી.
એક રિપોર્ટ અનુસાર, બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે દરેક પ્રશંસક વિરાટ કોહલીનો માસ્ક પહેરીને ઈડન ગાર્ડન્સમાં આવે. અમે 5 નવેમ્બરે કોહલીના જન્મદિવસ પર લગભગ 70,000 કોહલીના માસ્કનું વિતરણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.”
જાણો કોહલીના જન્મદિવસે શું થશે?
વિરાટ કોહલીના જન્મદિવસ નિમિત્તે કોલકાતાના ઈડન ગાર્ડનમાં કેક કાપવામાં આવશે. આ સિવાય 70 હજાર દર્શકો વિરાટના માસ્ક પહેરશે. ઈડન ગાર્ડનમાં લેસર શોનું પણ આયોજન કરવામાં આવશે અને ભવ્ય આતીશબાજી કરાશે.
ટીમ ઈન્ડિયા કોહલીને એક ખાસ ભેટ આપવા માંગે છે
કોહલીના જન્મદિવસ પર ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પોતાના પૂર્વ કેપ્ટનને જીતની ભેટ આપવા માંગશે. પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ટોપ પર છે. ભારતીય ટીમે અત્યાર સુધી 6 મેચ રમી છે, રોહિત શર્માની ટીમે તમામ મેચોમાં વિપક્ષી ટીમોને હરાવી છે.
વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી છઠ્ઠા સ્થાને છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 6 મેચમાં 88.50ની એવરેજથી 354 રન કર્યા છે. જોકે, ભારતીય ચાહકોને આશા છે કે વિરાટ કોહલી તેના જન્મદિવસ પર દક્ષિણ આફ્રિકા સામે ચોક્કસપણે મોટી ઇનિંગ રમશે.