બેન સ્ટૉક્સે કહ્યું, ` હું પંતનો ફૅન છું, પણ બુમરાહની જે સમસ્યા છે એ…’

એજબૅસ્ટનઃ ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સે (BEN STOKES) મંગળવારે ભારતના વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત (RISHABH PANT)ની ભરપૂર પ્રશંસા કરી હતી અને પોતે તેનો ફૅન (FAN) છે એવું કહ્યું હતું, પરંતુ પત્રકાર પરિષદમાં જસપ્રીત બુમરાહ વિશે પૂછાતાં તેણે કહ્યું, એ મુદ્દો ભારતની એક સમસ્યા છે અને તે (બુમરાહ) પોતે એનું સમાધાન લાવશે. લીડ્સ ટેસ્ટમાં બુમરાહ (BUMRAH) ભારતનો સૌથી અસરદાર બોલર સાબિત થયો હતો, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્ના તેમ જ મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર ખાસ કંઈ પ્રભાવ નહોતા પાડી શક્યા.’ બેન સ્ટૉક્સે સિરીઝની પહેલી ટેસ્ટના બન્ને દાવમાં સેન્ચુરી કરીને ભારત માટે નવો ઇતિહાસ રચનાર રિષભ પંત વિશે કહ્યું, રિષભ ભલે વિરોધી ટીમમાં છે, પણ તેને રમતા જોવો મને બહુ ગમે છે. તે ખાસ કરીને ટેસ્ટમાં જે સ્ટાઇલથી રમે છે એ મને ખૂબ પસંદ છે. તેને જો આઝાદી આપવામાં આવે તો તે કંઈ પણ કરી શકે છે.’
રિષભ પંત વિશે બેન સ્ટૉક્સે વધુમાં કહ્યું, રિષભ જેવા ખેલાડી ખતરનાક હોય છે. અમે જાણીએ છીએ કે તે જે રીતે રમે છે એને કારણે અમને ક્યારેક સારી તક મળી જતી હોય છે, પરંતુ જો તે ચાલી ગયો તો તેને રોકવો મુશ્કેલ થઈ જાય છે.’ બેન સ્ટૉક્સે ભારતીય ટીમ વિશે પૂછાતાં કહ્યું, ભારતની ટીમ ઘણી સારી છે અને હંમેશાં સારી ટક્કર દેતી હોય છે. જોશથી ભરપૂર ભારતીય ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પર હંમેશાં દબાણ બનાવી રાખે છે. જોકે હું હાલમાં આ ટીમ વિશે અગાઉથી કોઈ અનુમાન વ્યક્ત કરવામાં નથી માનતો. હું દૃઢપણે માનું છું કે જોશથી ભરપૂર આ ભારતીય ટીમ બીજી ટેસ્ટમાં અમને જોરદાર ટક્કર આપશે.’