બેન સ્ટૉક્સ નવી રેકૉર્ડ-બુકમાંઃ સોબર્સ, બૉથમ, કૅલિસની હરોળમાં | મુંબઈ સમાચાર

બેન સ્ટૉક્સ નવી રેકૉર્ડ-બુકમાંઃ સોબર્સ, બૉથમ, કૅલિસની હરોળમાં

મૅન્ચેસ્ટરઃ ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષ જૂના ઇતિહાસમાં સૌથી વધુ (133) સિક્સર ફટકારવાનો વિશ્વવિક્રમ ઇંગ્લૅન્ડના પેસ બોલિંગ ઑલરાઉન્ડર અને કૅપ્ટન બેન સ્ટૉક્સ (Ben stokes)ના નામે છે એ કેટલાકને ખબર નહીં હોય, પણ હવે સ્ટૉક્સે વધુ એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. તેણે વધુ એક અનોખા રેકૉર્ડ (record)માં પણ પોતાનું નામ લખાવી દીધું છે.

ટેસ્ટ કરીઅરમાં 10 કે 10થી વધુ સેન્ચુરી (century) ફટકારવા ઉપરાંત પાંચ કે વધુ વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ (five for) લેવાની સિદ્ધિ મેળવનારા સર ગૅરી સોબર્સ, ઇયાન બૉથમ અને જૅક કૅલિસ સાથે સ્ટૉક્સે પોતાનું નામ પણ જોડી દીધું છે.

આપણ વાંચો: દીપ્તિ શર્માએ વન-હૅન્ડેડ શૉટમાં ફટકારેલી સિક્સરનો શ્રેય કોને આપ્યો, જાણો છો?

બેન સ્ટૉક્સે ટેસ્ટ ક્રિકેટમાં 13 સદી ફટકારી છે અને ગુરુવારે તેણે પાંચમી વખત દાવમાં પાંચ વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે 72 રનમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે સાઇ સુદર્શન (61 રન), શુભમન ગિલ (12 રન), શાર્દુલ ઠાકુર (41 રન), વૉશિંગ્ટન સુંદર (27 રન) અને અંશુલ કંબોજ (0)ની વિકેટ લીધી હતી.

અહીં આપણે જે લિસ્ટની વાત કરી રહ્યા છીએ એમાં વેસ્ટ ઇન્ડિઝના મહાન ઑલરાઉન્ડર સર ગારફીલ્ડ સોબર્સનું નામ મોખરે છે. તેમણે 26 ટેસ્ટ સદી ફટકારી હતી અને છ વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ લીધી હતી.

આપણ વાંચો: આઈપીએલે અવગણ્યો, 19 સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ રચી દીધો

આ યાદીમાં ઇંગ્લૅન્ડના ઇયાન બૉથમ છે, જ્યારે ત્રીજા સ્થાને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર જૅક કૅલિસનું નામ છે. હવે આ અસાધારણ યાદીમાં બેન સ્ટૉક્સનું નામ ચોથા પ્લેયર તરીકે જોડાયું છે.

ટેસ્ટમાં 10થી વધુ સેન્ચુરી અને પાંચ વખત દાવમાં પાંચ વિકેટઃ

(1) સર ગૅરી સોબર્સઃ 26 સેન્ચુરી અને છ વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ
(2) ઇયાન બૉથમઃ 14 સેન્ચુરી અને 27 વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ
(3) જૅક કૅલિસઃ 45 સેન્ચુરી અને પાંચ વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ
(4) બેન સ્ટૉક્સઃ 13 સેન્ચુરી અને પાંચ વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button