બેન સ્ટૉક્સે બુમરાહના હાથે બૉલ્ડ થયા પછી બૅટ કેમ છોડી દીધું હતું?
લંડન: વિશાખાપટ્ટનમમાં ઇંગ્લૅન્ડની ટીમ ભારતના હાથે થયેલા પરાજયને તો ક્યારેય નહીં ભૂલે, પણ ખાસ કરીને જસપ્રીત બુમરાહનો અવિસ્મરણીય બોલિંગ પર્ફોર્મન્સ તેમના સ્મૃતિપટ પરથી કદી નહીં ભૂંસાય. એક પછી એક યૉર્કરનો મારો ચલાવીને તેમ જ રિવર્સ-સ્વિંગની તરકીબથી આ અમદાવાદીએ બ્રિટિશ બૅટિંગ લાઇન-અપની કમર તોડી નાખી હતી. તેણે પ્રથમ દાવમાં જાદુઈ સ્પેલમાં 45 રનમાં છ વિકેટ લીધી હતી. તેનો એ સ્પેલ જ ભારત અને ઇંગ્લૅન્ડની ટીમ વચ્ચેનો સૌથી મોટો તફાવત બતાવી ગયો હતો. તેણે બ્રિટિશરોની છાવણીમાં સોપો પાડી દીધો હતો. બીજા દાવમાં પણ બુમરાહે ઇંગ્લૅન્ડના બૅટર્સને નહોતા છોડ્યા અને 46 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. વિશાખાપટ્ટનમની સપાટ પિચ પર બેન સ્ટૉક્સની ટીમ પહેલા દાવમાં 253 રનમાં અને બીજા દાવમાં 292 રનમાં તંબૂ ભેગી થઈ ગઈ હતી.
યશસ્વી જયસ્વાલની ડબલ સેન્ચુરી (209 રન) પણ ઇંગ્લૅન્ડની ટીમ માટે ઘાતક પુરવાર થઈ હતી, પણ બૂમ…બૂમ…બુમરાહના વેધક બોલિંગનો ઇંગ્લિશમેન પાસે કોઈ જ જવાબ નહોતો. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને ઇંગ્લૅન્ડની ટીમે જે રીતે બુમરાહ સામે શરણાગતિ સ્વીકારી એવા અર્થમાં પોતાની કૉલમમાં લખ્યું છે કે ‘ક્યારેક પોતાની ટીમ પ્રત્યે ટીકાત્મક વલણ અપનાવવું પડતું હોય છે અને તેમના પ્રદર્શન પરથી કહેવું પડતું હોય છે કે આપણી ટીમ આનાથી સારું શું કરી શક્ી હોત.
એ જોતાં, ક્યારેક હરીફ ટીમનું સન્માન પણ કરવું પડતું હોય છે અને કહેવું પડતું હોય છે કે તેમની પ્રતિભાએ સૌ કોઈને પ્રભાવિત કરી દીધા.’ નાસિર હુસેન કૉલમમાં ભારતીય ટીમની અને બુમરાહની પ્રશંસા કરતા થાકતો નહોતો. તેણે લખ્યું, ‘પહેલી ઇનિંગ્સમાં બુમરાહનો સ્પેલ શાનદાર હતો. રિવર્સ સ્વિંગની કમાલ તો તેણે કરી જ હતી, તેની અપરંપરાગત સ્ટાઇલ અને ઑફ સાઇડ પર થોડું ઝૂકવું એ બધુ તેની પ્રતિભામાં ચાર ચાંદ લગાવી ગયા. ઑલી પૉપ બહુ સારી લયમાં રમી રહ્યો હતો, પણ બુમરાહનો અંદર આવતો એક યૉર્કર તેને થાપ આપી ગયો. જો રૂટને તો બુમરાહે આઠમી વાર આઉટ કર્યો હતો.’
હુસેન વધુમાં લખ્યું છે કે ‘બેન સ્ટૉક્સને બુમરાહે રાઉન્ડ ધ વિકેટથી બૉલ ફેંક્યો હતો અને એવો તો ક્લીન બોલ્ડ કરી દીધો કે સ્ટૉક્સના માનવામાં જ નહોતું આવતું અને એ સ્તબ્ધ હાલતમાં સ્ટૉક્સના હાથમાંથી બૅટ છૂટી ગયું હતું.’