સ્પોર્ટસ

બેન ડકેતને કહી દેવાયું, ‘યશસ્વી પોતાના સંઘર્ષ પરથી શીખ્યો છે, તારી પાસેથી નહીં’

રાંચી: એશિયન દેશ અને ખાસ કરીને ભારતની ક્રિકેટ ટીમ સામે માઇન્ડ-ગેમ રમવામાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓ માહિર છે. જોકે ક્યારેક એવું પણ બનતું હોય છે કે પોતાના જ દેશનો કોઈ ખેલાડી ‘ઊંધુ વેતરી નાખે’ તો એને સુધારવાનું કામ પણ આ જ ભૂતપૂર્વ પ્લેયર કરી લેતા હોય છે.

ઇંગ્લૅન્ડ સામેની રાજકોટની ત્રીજી ટેસ્ટ દરમ્યાન આવું જ કંઈક બન્યું. ઇંગ્લૅન્ડના ઓપનિંગ બૅટર બેન ડકેટે કહ્યું હતું, ‘ઇંગ્લૅન્ડની બહુચર્ચિત બાઝબૉલ અપ્રોચને કારણે જ યશસ્વી જયસ્વાલ આક્રમક મિજાજમાં રમ્યો હતો.’

યશસ્વીએ શ્રેણીની બીજી ટેસ્ટમાં ડબલ સેન્ચુરી (209) ફટકાર્યા પછી ત્રીજી ટેસ્ટમાં વધુ અગ્રેસિવ મૂડમાં રમીને અણનમ 214 રન બનાવ્યા હતા જેમાં 14 ફોર ઉપરાંત 12 સિક્સરનો સમાવેશ હતો. યશસ્વીએ એ સાથે એક ઇનિંગ્સમાં 12 છગ્ગા ફટકારવાના વસીમ અકરમના વિશ્ર્વવિક્રમની બરાબરી કરી હતી. યશસ્વીના આ પર્ફોર્મન્સ ઉપરાંત ખાસ કરીને રવીન્દ્ર જાડેજાના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની મદદથી ભારતે ઇંગ્લૅન્ડને 434 રનના વિક્રમી માર્જિનથી હરાવીને સિરીઝમાં 2-1થી સરસાઈ લીધી હતી. વર્તમાન સિરીઝમાં યશસ્વીના 545 રન તમામ બૅટર્સમાં હાઇએસ્ટ છે.

યશસ્વી ઉત્તર પ્રદેશનો છે, પણ નાનપણથી મુંબઈમાં રહે છે. તે સંઘર્ષના દિવસોમાં સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ) નજીકના આઝાદ મેદાનમાં ટેન્ટમાં રહેતો હતો. તેણે એ દિવસોમાં દૂધની દુકાનમાં સાફસફાઈનું કામ કર્યું હતું, મિત્રને પાણીપૂરીના ધંધામાં મદદ કરી હતી તેમ જ સંઘર્ષના બીજા ઘણા દિવસો પણ તેણે જોયા હતા.

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને બેન ડકેટની કમેન્ટ પર પ્રતિક્રિયા આપતા એક પૉડકાસ્ટ માટે માઇકલ આથર્ટનને આપેલા ઇન્ટરવ્યૂમાં ડકેતને સંભળાવતા કહ્યું, ‘યશસ્વી કંઈ તેની પાસેથી (ડકેત પાસેથી) કે બાઝબૉલ અપ્રોચ પરથી નથી શીખ્યો. યશસ્વી નાનપણમાં સંઘર્ષમય દિવસોમાં જે રીતે પોતે ઉછર્યો હતો એના પરથી શીખ્યો આવું પર્ફોર્મ કરતા શીખ્યો છે. તે શીખ્યો છે પોતે નાનપણમાં કરેલી અથાક મહેનત પરથી, તે શીખ્યો છે આઇપીએલમાંથી અને બીજા સંઘર્ષના સમયકાળમાંથી. હું તો કહું છું કે તેની પાસેથી ઘણું શીખવા જેવું છે.’

નાસિર હુસેન આટલું કહીને નહોતો અટક્યો. તેણે ઇંગ્લૅન્ડના ખેલાડીઓને નજરમાં રાખીને કહ્યું, ‘તેઓ જાહેરમાં કે ડ્રેસિંગ-રૂમમાં જે કંઈ કહેતા હોય છે એના પર તેમણે શાંતિથી બેસીને સમીક્ષા કરવાની જરૂર છે. બાઝબૉલને એક પ્રકારના અપ્રોચ તરીકે ગણાવાઈ રહ્યો છે, પરંતુ એ અભિગમ અપનાવીને પણ ઘણું શીખવાની અને સુધારો કરવાની જરૂર હોય છે.’
ઇંગ્લૅન્ડ હવે શુક્રવારે રાંચીમાં શરૂ થનારી ચોથી ટેસ્ટ જીતીને શ્રેણીને લેવલ કરવા કોઈ કસર નહીં છોડે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button