બેલ્જિયમમાં જન્મેલો ક્રિકેટર ઝિમ્બાબ્વેમાં છવાઈ ગયો, નવો ઇતિહાસ રચી દીધો!

હરારે: ક્રિકેટ હવે અનેક નાના દેશોમાં પણ રમાતી થઈ છે એટલે આવનારા મહિનાઓમાં ક્રિકેટમાં નવા-નવા દેશનું વાંચવા મળે તો નવાઈ નહીં પામતા.
જુઓને, તમે ક્યારેય કલ્પના પણ કરી હતી કે પપુઆ ન્યૂ ગિની કે નામિબિયાની કે આર્જેન્ટિનાની કે બર્મુડાની કે ભૂતાનની ટીમ ક્રિકેટ રમશે?
તમે નહીં માનો, પણ 96 નાના-મોટા દેશો ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના એસોસિએટ રાષ્ટ્રો છે અને એમાં બેલ્જિયમનું પણ છે. આ યુરોપિયન દેશમાં જન્મેલો અંતુમ નક્વી નામનો ક્રિકેટર એવો છે જેણે થોડા દિવસ પહેલાં ઝિમ્બાબ્વે વતી નવો ઇતિહાસ રચી દીધો.
ઝિમ્બાબ્વેમાં ક્રિકેટ 19મી સદીથી રમાય છે અને આઇસીસીનો દરજ્જો એને 1981માં મળ્યો હતો, પરંતુ અત્યાર સુધી ઝિમ્બાબ્વેની ડોમેસ્ટિક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ક્યારેય કોઈ ખેલાડી એક ઇનિંગ્સમાં 300 રન નહોતો બનાવી શક્યો, પરંતુ એ કામ બેલ્જિયમમાં જન્મેલા નક્વીએ કરી દેખાડ્યું છે.
24 વર્ષના ઑલરાઉન્ડર નક્વીએ 2017માં સેફાસ ઝુવાઓએ બનાવેલા 265 રનનો રેકૉર્ડ અત્યાર સુધી અકબંધ હતો જે નક્વીએ શુક્રવારની એક મૅચમાં 10 સિક્સર તથા 30 ફોરની મદદથી 300 રન બનાવીને તોડી નાખ્યો હતો.
નક્વી એક વર્ષ પહેલાં ઝિમ્બાબ્વેમાં આવ્યો હતો અને આ દેશમાં ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તેણે આ એક વર્ષમાં 8 મૅચમાં 102.00ની સરેરાશે કુલ 715 રન બનાવ્યા છે. નક્વી મોટા ભાગે ઑસ્ટ્રેલિયામાં રહે છે, પરંતુ તેણે ઝિમ્બાબ્વેની નૅશનલ ટીમ વતી રમવા ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ સાથે વાટાઘાટ શરૂ કરી દીધી છે.