KL રાહુલના કારણે આ ખેલાડીઓની કારકિર્દી આવી ગઇ ખતરામાં
નવી દિલ્હી. નબળા ફોર્મને કારણે ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા અનુભવી બેટ્સમેન કેએલ રાહુલે જબરદસ્ત વાપસી કરી છે. તેમને ઈજા અને ખરાબ પ્રદર્શનના કારણે લાંબા સમય સુધી ટીમની બહાર બેસવું પડ્યું હતું અને તેમની કારકિર્દીને એક બ્રેક લાગી ગયો હતો. જોકે, ઓપનિંગ સ્પોટ ગુમાવ્યા બાદ તેમણે ભારે મહેનત કરીને માંડ માંડ ટીમ ઈન્ડિયામાં વિકેટકીપર તરીકે વાપસી કરી હતી. હવે મજબૂત બેટિંગ અને સારી વિકેટ કીપિંગના આધારે, કેએલ રાહુલે ઘણા ખેલાડીઓ માટે પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશવાનો રસ્તો બંધ કરી દીધો છે.
એક વખતે ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા કેએલ રાહુલને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને તેમણે તેના પર પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. ફિટનેસ પાછી મેળવ્યા પછી કેએલ રાહુલે પહેલા વનડેમાં અને હવે ટેસ્ટ ટીમમાં પુનરાગમન કર્યું છે અને પોતાનું સ્થાન સંપૂર્ણ રીતે પાક્કું કરી દીધું છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર સદી ફટકારીને તેમણે ટીમમાં પોતાનો દાવો વધુ પાક્કો કરી દીધો છે. ODIમાં વાપસી મેચમાં કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામે 80 રનની અજોડ ઇનિંગ રમી હતી. આશ્ચર્યની વાત એ છે કે તેમના આવ્યા બાદ હવે ઘણા ખેલાડીઓની જગ્યાઓ જોખમમાં આવી ગઇ છે.
કેએલ રાહુલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે રમવા માટે ફિટ છે. તેની વાપસીને કારણે ચાર વિકેટ કીપર બેટ્સમેનોની કારકિર્દી જોખમમાં આવી ગઇ છે. આ યાદીમાં પહેલું નામ ઇશાન કિશનનું છે. જે ટીમમાં મુખ્ય વિકેટકીપર તરીકે રમે છે. હવે કેએલ રાહુલની ધુંઆધાર રમતેન કારણે ઇશાન કિશનને ટીમની બહાર બેસવાનો વારો આવે તો નવાઇ નહીં. આ યાદીમાં બીજો નંબર છે સંજુ સેમસનનો. સંજુ સેમસન ઘણા સમયથી ટીમની અંદર બહાર રહ્યો છે.
કેએલ રાહુલના ધમાકેદાર પરફોર્મન્સ બાદ હવે સંજુ સેમસન માટે ટીમમાં જગ્યા બનાવવી મુશ્કેલ બનશે. આ યાદીમાં ત્રીજો ખેલાડી છે ઋષભ પંત. ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર તરીકે પોતાનું સ્થાન સંપૂર્ણ રીતે નિશ્ચિત કરી ચૂકેલા ઋષભ પંતને કાર અકસ્માત બાદ મેદાનની બહાર બેસવાની ફરજ પડી હતી. તેમના સ્થાને કે એસ ભરતને આ ફોર્મેટમાં તક આપવામાં આવી હતી. હવે ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે કેએલ રાહુલના પ્રદર્શને બંનેના પુનરાગમનની તકો છિનવી લીધી છે. આમ પણ એક બેટ્સમેન તરીકે અનુભવમાં ઋષભ પંત અને કે એસ ભરત બંને પર પ્રભુત્વ ધરાવે છે.