ટેસ્ટ સ્પેશિયાલિસ્ટો માટે બીસીસીઆઇનો નવો નિયમ: જોકે રોહિત, વિરાટ, બુમરાહ માટે ફરજિયાત નથી
નવી દિલ્હી: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) ઇચ્છે છે કે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓ જ્યારે પણ નૅશનલ ટીમ વતી ન રમતા હોય ત્યારે તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવી પડશે. જોકે આ નવા નિયમમાંથી રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને રાહત આપવામાં આવી છે. તેમને ફુરસદના સમયે ડોમેસ્ટિકમાં રમવું ોય તો રમી શકશે અને ન રમવું હોય તો તેમને માટે આ નિયમ ફરજિયાત નથી.
પીટીઆઇના અહેવાલમાં જણાવાયું હતું કે ભારત વતી ટેસ્ટ-ક્રિકેટ રમતા તમામ ખેલાડીઓએ ઑગસ્ટ મહિનામાં બંગલાદેશ અને ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ અગાઉ ઓછામાં ઓછી એક દુલીપ ટ્રોફી મૅચ રમવી જ પડશે.
ટેસ્ટ ખેલાડીઓ પોતપોતાના રાજ્ય કે શહેરની ટીમ વતી રમીને મૅચ-પ્રૅક્ટિસનો લાભ લઈ શકે અને એ રીતે ટેસ્ટ-શ્રેણી માટેની તૈયારી કરી શકે એ હેતુથી ટેસ્ટ શ્રેણી માટેના તમામ સંભવિત ખેલાડીઓને દુલીપ ટ્રોફીની મૅચમાં રમવાનો મોકો મળશે અને એ મુજબ દુલીપની મૅચો માટેની ટીમમાં તેમના સિલેક્શન કરાશે.
આપણ વાંચો: ગૌતમ ગંભીરની બે વિનંતી બીસીસીઆઇએ નકારી દીધી?
આ વર્ષના માર્ચમાં ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચવાળી ટેસ્ટ-સિરીઝ દરમ્યાન બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ક્રિકેટ બોર્ડ સાથે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ ધરાવતા ખેલાડીઓને કડક ચેતવણીના સૂરમાં સંદેશ આપ્યો હતો કે તેઓ હવે પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું ટાળી નહીં શકે, તેમણે એમાં ફરજિયાત રમવું જ પડશે.
બીસીસીઆઇના આ ફરમાન છતાં અને એ સમયના હેડ-કોચ રાહુલ દ્રવિડની સલાહ છતાં ઇશાન કિશન તથા શ્રેયસ ઐયરે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ટાળ્યું હતું જેને પગલે બીસીસીઆઇએ તેમને કૉન્ટ્રૅક્ટમાંથી કાઢી નાખ્યા હતા.
ઇંગ્લૅન્ડ સામે ભારતે 4-1થી ટેસ્ટ શ્રેણી જીતી લીધી ત્યાર બાદ જય શાહે ટેસ્ટ-ક્રિકેટ તરફ વધુ ને વધુ યુવા ખેલાડીઓ આકર્ષાય એ હેતુથી ટેસ્ટ ક્રિકેટ સંબંધિત મોટી આર્થિક સવલતોની જાહેરાત પણ કરી હતી.
ટૂંકમાં, બોર્ડ ઇચ્છે છે કે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમતા ખેલાડીઓ ડોમેસ્ટિક ફૉર્મેટમાં પણ રમે કે જેથી ઘરેલું ક્રિકેટની ગુણવત્તામાં સુધારો થાય અને દેશને વધુ ને વધુ ટૅલન્ટેડ ખેલાડીઓ મળે.