ભારત સામેના મેચ અંગે પાકિસ્તાનનો યુ-ટર્ન! BCCI એ આપ્યું પહેલું નિવેદન; જાણો શું કહ્યું

મુંબઈ: ICC મેન્સ T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં ભારત સામે મેચના બહિષ્કાર અંગે પાકિસ્તાન સરકારે યુ-ટર્ન લીધો હતો. 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ રમાશે. એવામાં બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) સમગ્ર ઘટનાક્રમ અંગે નિવેદન આપ્યું છે.
સોમવારે રાત્રે પાકિસ્તાન સરકારે ભારત સામેની મેચના બહિષ્કારનો પોતાનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. મંગળવારે સવારે, BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લા પત્રકારો સાથે વાત કરતા ICCના નેતૃત્વના વખાણ કર્યા અને સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધવા બદલ ICCનો આભાર માન્યો. નોંધનીય છે કે અત્યાર સુધી રાજીવ શુક્લા અત્યાર સુધી એવું જ કહેતા આવ્યા હતાં કે ICC જે નિર્ણય લેશે BCCI એમ જ કરશે.
રાજીવ શુક્લાએ પત્રકારોને કહ્યું, “લાહોર ગયેલા ICCના પ્રતિનિધિઓ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમજ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચેની ચર્ચા-વિચારણાના પરિણામથી મને આનંદ થયો, જે ICCના અધ્યક્ષની દેખરેખ હેઠળ યોજવામાં આવી હતી. ક્રિકેટના મહત્વને પ્રાથમિકતા આપવા માટે આ એક સારો, સૌહાર્દપૂર્ણ ઉકેલ છે.”
તેમણે કહ્યું, “આ મુદ્દાને ઉકેલવા અને ક્રિકેટને આગળ લાવવા બદલ ICC અને તમામને અભિનંદન. ICC માટે આ એક મોટી સિદ્ધિ છે. તેથી હું ICC નો આભાર માનું છું કે તેમણે આ પહેલ કરી અને પાકિસ્તાનને ચર્ચામાં જોડ્યું, જેના કારણે આખરે પાકિસ્તાને કોલંબો મેચ રમવાનો નિર્ણય લીધો.”
રાજીવ શુક્લાએ એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, તેથી T20 વર્લ્ડ કપ 2026 વધુ સફળ રહેશે. આ વાટાઘાટો દરમિયાન બાંગ્લાદેશની લાગણીઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, અને તેમના બોર્ડને થોડી રાહત આપવામાં આવી છે, અને તેઓ પણ ખુશ છે.
આપણ વાંચો: IND vs PAK: બહિષ્કાર વિવાદ બાદ પાકિસ્તાનને શું મળ્યું? મોહસીન નકવીએ આપ્યો આવો જવાબ



