ક્રિકેટરોની ખાવા-પીવાની સમસ્યા દૂર થશે, બીસીસીઆઈએ નક્કી કર્યું છે કે…

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટરો જેમાં ખાસ કરીને શાકાહારી હોય એવા ખેલાડીઓ વિદેશ પ્રવાસમાં પોતાની પસંદગીની વાનગીઓથી વંચિત રહેતા હોય છે એટલે ભવિષ્યમાં તેમને ફૉરેન ટૂર દરમ્યાન એવી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એવું વિચાર્યું છે કે હવે પછી ભારતથી જ કેટલાક રસોઈયાઓને ટીમ ઇન્ડિયા સાથે ટૂર પર મોકલવા કે જેથી ખેલાડીઓને પસંદગીનો નાસ્તો અને જમવાનું મળી રહે. બીસીસીઆઈનું એવું માનવું છે કે ટૂર દરમ્યાન કેટલાક ખેલાડીઓની અમુક ખાસ પ્રકારની વાનગીઓની ડિમાન્ડ રહેતી હોય છે.
ક્રિકેટ બોર્ડ એવું વિચારી રહી છે કે હવે પછીની ટૂરમાં કેટલાક સ્પેશિયલ શેફને ટીમ સાથે મોકલવા કે જેથી કરીને ખેલાડીઓએ મનપસંદ વાનગીઓ માટે ક્યાંય ભટકવું ન પડે અથવા વંચિત ન રહેવું પડે. ઘણીવાર એવું બનતું હોય છે કે વિદેશી ટૂરમાં ખેલાડીઓને એ વિદેશી શહેરમાં રહેતા ભારતીય મૂળના પરિવારો જમવા માટે પોતાના ઘરે આમંત્રિત કરતા હોય છે. આ શિરસ્તો દાયકાઓથી ચાલે છે. એમાં કંઈ ખોટું નથી, પરંતુ બીસીસીઆઈ ખેલાડીઓની ખાવા-પીવાની સમસ્યા દૂર કરવા કટિબદ્ધ તો છે જ.
Also read: ટીમ ઇન્ડિયા ક્યારે પહોંચશે દુબઈ? પ્રૅક્ટિસ મૅચ રમશે કે નહીં?
ભારતીય ટીમ તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયાના લાંબા પ્રવાસે જઈ આવી. ત્યાં કેટલાક ખેલાડીઓને જમવાની બાબતમાં થોડી તકલીફ થઈ હતી. ટીમ ઈન્ડિયાની હવે પછીની ટૂર જૂન મહિનામાં ઇંગ્લેન્ડ ખાતે છે જ્યાં કેટલાક સ્પેશિયલ શેફને ભારતીય ટીમ સાથે કદાચ મોકલવામાં આવશે.