ભારતે ફરી બતાવી પોતાની તાકાત, પાકિસ્તાન પાસેથી છીનવી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની
હવે આ દેશમાં યોજાશે ટૂર્નામેન્ટ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ માત્ર એશિયાનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી અમીર અને શક્તિશાળી બોર્ડ છે, જેની શરતો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પણ સ્વીકારવી પડે છે. જેના કારણે BCCI અમુક પ્રસંગોએ મનમાની પણ કરતી જોવા મળે છે. હવે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જ BCCIએ પોતાની તાકાત બતાવી છે અને પાકિસ્તાન પાસેથી હોસ્ટિંગના અધિકાર છીનવી લીધા છે. હવે તેનું આયોજન પાકિસ્તાનમાં નહીં, પરંતુ અન્ય કોઈ દેશમાં કરવામાં આવશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાવાની હતી, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ICCને તેનું સ્થળ બદલવા માટે કહ્યું છે. આવી સ્થિતિમાં, ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં નહીં પરંતુ કોઈ અન્ય દેશમાં થવા જઈ રહ્યું છે અને તે દેશ બીજું કોઈ નહીં પણ UAE છે.
મીડિયા રિપોર્ટ્સમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ન ઇચ્છતા હોવા છતાં તેની યજમાની છોડવી પડી છે અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી આયોજન UAE માં કરવામાં આવશે. જો કે, તેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે, પરંતુ તમામ મીડિયા ચેનલો એવી વાત કરી રહી છે કે ભારતીય ટીમ કોઈપણ ભોગે પાકિસ્તાન નહીં જાય. આવી સ્થિતિમાં, પાક બોર્ડે કાં તો યજમાની છોડી દેવી પડશે અથવા તેને બીજે ક્યાંક ગોઠવવી પડશે.
આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનને ભારતના કારણે પોતાનું સ્થળ બદલવું પડ્યું હોય. આ પહેલા તાજેતરમાં રમાયેલ એશિયા કપ 2023નું આયોજન પણ પાકિસ્તાનમાં થવાનું હતું, પરંતુ ભારતે ત્યાં જવાનો ઈન્કાર કર્યા બાદ પાકિસ્તાન બોર્ડે તેની ઈચ્છા ન હોવા છતાં તેને હાઈબ્રિડ મોડલ પર આયોજિત કરવી પડી હતી. જ્યાં ટીમ ઈન્ડિયાએ તેની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી.