બીસીસીઆઇએ ઑસ્ટ્રેલિયન ટૂર માટે ટીમ ઇન્ડિયાની નવી ટ્રેઇનિંગ કિટ ગૂપચૂપ લૉન્ચ કરી!
નવી દિલ્હી/પર્થઃ ટીમ ઇન્ડિયા જ્યાં પણ હોય ત્યાં તેઓ તેમના વિશે કંઈકને કંઈક ચર્ચા થતી જ હોય છે. જોકે ભારતીય ટેસ્ટ-ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની બન્ને ટેસ્ટ ઘરઆંગણે જીત્યા, પરંતુ ત્યાર બાદ ન્યૂ ઝીલૅન્ડ સામેની ત્રણેય ટેસ્ટ હારી જતાં ટીમ ઇન્ડિયા હમણાં ટીકાકારોનું નિશાન બની છે.
ટેસ્ટ ટીમના અમુક ખેલાડીઓ તાજેતરમાં ઑસ્ટ્રેલિયા ખાતેની ટૂર માટે વાજતેગાજતે મુંબઈથી વિદાય નહોતા થયા અને હવે તેમની નવી ટ્રેઇનિંગ કિટ પણ ગૂપચૂપ લૉન્ચ કરી દેવાઈ છે.
અગાઉ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પ્રૅક્ટિસ માટે ભગવા, લાલ તથા લીલા રંગની ટ્રેઇનિંગ કિટ મળી હતી, જ્યારે આ વખતે ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસ માટે તેમને એક જાણીતી બૅ્રન્ડની લાઇટ ગે્ર કલરની કિટ આપવામાં આવી છે.
આપણ વાંચો: વાનખેડે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયામાં આ ઑલરાઉન્ડરની સરપ્રાઇઝ એન્ટ્રી…
ભારતના ટેસ્ટ-ખેલાડીઓ આ પહેલાંની ઑસ્ટ્રેલિયામાંની બન્ને ટેસ્ટ-સિરીઝ 2-1થી જીત્યા હતા અને આ વખતે તેમની પાસે શ્રેણી-વિજયની હૅટ-ટ્રિક કરવાની અપેક્ષા રાખવામાં આવી છે.
ભારતના ખેલાડીઓએ પર્થમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ માટેના પર્થ સ્ટેડિયમ નજીકના મેદાન પર પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે.
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રિષભ પંત તથા કેએલ રાહુલ બાવીસમી નવેમ્બરે શરૂ થતી બોર્ડર-ગાવસકર ટ્રોફી માટેની નેટમાં ગે્ર-બ્લૅક પ્રૅક્ટિસ કિટમાં જોવા મળ્યા હતા. તેમની ટ્રેઇનિંગ કિટ બે દિવસથી વધુ ચર્ચામાં છે.