ઑલિમ્પિક્સ માટેના ભારતીય ઍથ્લીટોને બીસીસીઆઇની 8.50 કરોડ રૂપિયાની મદદ
નવી દિલ્હી: બોર્ડ ઑફ ક્ધટ્રોેલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) આર્થિક રીતે ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન (આઇઓએ)ની મદદે આવ્યું છે.
ફ્રાન્સના પાટનગર પૅરિસમાં ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા ગયેલા ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓ માટે બીસીસીઆઇએ રવિવારે 8.50 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી.
કુલ 117 ઍથ્લીટો-પ્લેયરો ઑલિમ્પિક્સમાં મેડલ જીતવા ગયા છે. પૅરિસનો રમતોત્સવ 26મી જુલાઈએ શરૂ થશે અને 11મી ઑગસ્ટે પૂરો થશે.
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે તેમના ‘એક્સ’ અકાઉન્ટ પર લખ્યું, ‘પૅરિસની ઑલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયેલા આપણા ઉમદા ઍથ્લીટોને બીસીસીઆઇ આર્થિક રીતે મદદરૂપ થઈ રહી હોવાની જાહેરાત કરતા હું ગૌરવ અનુભવી રહ્યો છું. અમે આ રમતોત્સવ માટે આઇઓએને 8.50 કરોડ રૂપિયા પૂરા પાડી રહ્યા છીએ.’
જય શાહે એવું પણ જણાવ્યું હતું કે ‘ઑલિમ્પિક્સ માટેના આપણા આખા સંઘને અમે બોર્ડ તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ. ભારતને ગૌરવ અપાવજો. જય હિંદ.’
પૅરિસ જઈ રહેલા 117 ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓ સાથે 140 મેમ્બર્સનો સપોર્ટ-સ્ટાફ છે. એ રીતે, કુલ મળીને 257 લોકો પૅરિસ જઈ રહ્યા છે.
ભારતના 117 સ્પર્ધકમાં 47 મહિલા અને 70 પુરુષ છે. સૌથી વધુ 29 સ્પર્ધક ટ્રૅક ઍન્ડ ફીલ્ડની રમતોની હરીફાઈમાં ભાગ લેશે. ત્યાર પછી બીજો નંબર શૂટર્સનો છે. ભારતથી કુલ 21 નિશાનબાજો પૅરિસ ગયા છે. વેઇટલિફ્ટિંગમાં ભારત વતી એકમાત્ર મીરાબાઈ ચાનુ છે જે 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી હતી.
ઘોડેસવારી, જુડો અને રૉવિંગમાં ફક્ત એક-એક ઍથ્લીટ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.