બીસીસીઆઇએ બાંગ્લાદેશની મહિલા ટીમનો ભારત-પ્રવાસ મોકૂફ રાખ્યો

નવી દિલ્હીઃ ભારતની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ક્રિકેટ ટીમ આવતા મહિને ઘરઆંગણે બાંગ્લાદેશની વિમેન્સ ટીમ સામે વન-ડે સિરીઝ તેમ જ ત્યાર બાદ ટી-20 સિરીઝ રમવાની હતી, પરંતુ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને જણાવી દીધું છે કે તમે તમારી મહિલા ટીમને હમણાં ભારત નહીં મોકલતા, કારણકે આ સિરીઝ અમે મુલતવી રાખી છે અને ભવિષ્યમાં નવું શેડ્યૂલ નક્કી કરીશું ત્યારે તમને વાકેફ કરીશું.
બીસીસીઆઇએ બાંગ્લાદેશ સાથેની આ વિમેન્સ સિરીઝ (SERIES) મોકૂફ રાખવા સંબંધમાં કોઈ કારણ નથી આપ્યું, પણ એવું મનાય છે કે ભારત-વિરોધી તથા હિન્દુ-વિરોધી દેખાવો માટે જાણીતા બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી ઊઠતાં બન્ને દેશ વચ્ચેના રાજદ્વારી સંબંધો તંગ થઈ ગયા છે જેને પગલે બીસીસીઆઇએ આ નિર્ણય લીધો હશે.
આપણ વાચો: BCCIના નિર્ણય બાદ રોહિત શર્માએ ડોમેસ્ટિકમાં રમવાના આપ્યા સંકેત, પણ વિરાટ કોહલીનું મૌન
બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને ફાંસી આપવાના બાંગ્લાદેશની ટ્રિબ્યૂનલ કોર્ટના ફેંસલાને પગલે બાંગ્લાદેશમાં ફરી હિંસાચાર ફેલાયો છે. જો બાંગ્લાદેશની ટીમ આવતા મહિને ભારત આવી હોત તો તાજેતરમાં નવી મુંબઈમાં સર્વોચ્ચ ટ્રોફી જીત્યા બાદ વિશ્વ વિજેતા ભારતીય ટીમની એ પહેલી જ સિરીઝ બની હોત.
એક અહેવાલ મુજબ બાંગ્લાદેશની વચગાળાની સરકારે માગણી કરી છે કે શેખ હસીના ભારતમાં રહે છે અને અમે ઇચ્છીએ છીએ કે ભારત સરકાર શેખ હસીના અમને સોંપી દે.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં લગભગ દોઢ વર્ષથી અરાજકતાની સ્થિતિ હોવાથી બીસીસીઆઇએ મેન્સ ટીમનો તાજેતરનો બાંગ્લાદેશ-પ્રવાસ પણ મોકૂફ રાખ્યો છે.



