હવે ICC ઈવેન્ટ્સમાં પણ ભારત-પાક. મેચ નહીં રમાય? BCCI ના અધિકારીએ આપ્યો આવો જવાબ

મુંબઈ: એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી, આ ત્રણેય મેચ ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને હરાવી. આ ત્રણેય ટીમ વિવાદોથી ભરેલી રહી, ખાસ કરીને ફાઈનલ મેચ પછી ટ્રોફી મામલે થયેલો હાઈ વોલ્ટેજ ડ્રામા હજુ પણ ચર્ચામાં છે, એવામાં મંતવ્યો આપવામાં આવી રહ્યા છે કે ભવિષ્યની મલ્ટી-લેટરલ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ગોઠવવામાં ન આવે. BCCI ના એક અધિકારીના મતે આ એટલું સરળ નથી.
એશિયા કપ 2025 ફાઈનલ બાદ વિવાદ:
નોંધનીય છે કે એશિયા કપ 2025ની ફાઈનલ મેચ જીત્યા બાદ ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી અને મેડલ સ્વિકારનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ મોહસીન નકવી ટ્રોફી અને મેડલ લઇને સ્ટેડીયમની બહાર જતાં રહ્યા હતાં. ભારતીય ટીમે ટ્રોફી વગર જ સેલિબ્રેશન કર્યું હતું, BCCI ટ્રોફી ભારત લાવવા હજુ પણ પ્રયાસ કરી રહ્યું છે.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરનું સુચન:
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય સિરીઝ વર્ષ 2013 માં રમાઈ હતી, ત્યાર બાદથી બંને ટીમો માત્ર ICC ટુર્નામેન્ટમાં સામને સામને આવે છે. એવામાં તાજેતરમાં ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ આથર્ટને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને સલાહ આપી હતી કે જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી વધુ ભારત-પાકિસ્તાન મેચ ન યોજવી જોઈએ.
આથર્ટને કહ્યું “ICC ઇવેન્ટ્સની અગામી સાઈકલના બ્રોડકાસ્ટ રાઈટ્સ માટે ફિક્સ્ચર પારદર્શક હોવું જોઈએ અને એ સ્પષ્ટ કરવામાં આવે કે બંને ટીમો વચ્ચે મેચ નહીં રમાય.”
BCCI ના અધિકારીનો જવાબ:
આથર્ટને આપેલી સલાહ અંગે BCCI ના એક અધિકારીએ જણાવ્યું હતું કે આવી સલાહ આપવી સરળ છે, પરંતુ આ સમસ્યાનો કોઈ સરળ ઉકેલ નથી. અધિકારીએ કહ્યુ, “આ બધા વિશે વાત કરવી સહેલી છે, પરંતુ શું સ્પોન્સર્સ અને બ્રોડકાસ્ટર તેના માટે સંમત થશે? અંતિમ નિર્ણય ફક્ત ત્યારે જ લઈ શકાય છે જ્યારે સ્પોન્સર્સ અને બ્રોડકાસ્ટર તેની મંજૂરી આપે. આજની પરિસ્થિતિમાં, જો કોઈ મોટી ટીમ, ટુર્નામેન્ટમાંથી ખસી જાય, તો સ્પોન્સર્સ મળવા મુશ્કેલ બનશે.”
આ પણ વાંચો…પાકિસ્તાનની ઓપનર વિચિત્ર સંજોગોમાં થઈ રનઆઉટ…