BCCI નવા ટેસ્ટ કેપ્ટનની શોધ કરી રહ્યું છે! મીટિંગમાં થયેલી ચર્ચા ફરી લીક થઇ

મુંબઈ: એક ક્રિકેટરના જીવનમાં કેવી રીતે ઉતારચઢાવ આવતા હોય છે, એ સમજાવ માટે રોહિત શર્માનું ઉદાહરણ લઇ શકાય છે. ICC T20 વર્લ્ડકપ 2024માં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને વિજેતા બની હતી, આ સમયે તેને હીરો અને શ્રેષ્ઠ કેપ્ટન (Captain Rohit Sharma) તરીકે જોવામાં આવતો હતો, પરંતુ વર્ષના અંત સુધીમાં ક્રિકેટ ચાહકો તેને નિવૃત્તિ લેવાની સલાહ આપવા લાગ્યા, રોહિતના બેટિંગ ફોર્મ અને નેતૃત્વક્ષમતા અંગે પણ સવાલો ઉઠા થયા છે. એવામાં અહેવાલો છે કે BCCIમાં પણ રોહિત અંગે ચર્ચા થઇ રહી છે.
બે ટેસ્ટ સિરીઝમાં બધું જ બદલાઈ ગયું:
ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમની 0-3થી હાર થઇ હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયામાં પણ 1-3થી હાર મળી. આ દરમિયાન રોહિત શર્માનું બેટ ના ચાલ્યું, પ્રયત્નો છતાં તે ફોર્મ ના મેળવી શક્યો. ઓસ્ટ્રેલીયા સામેની છેલ્લી મેચમાં તણે ડ્રોપ લીધો હતો, ત્યાર બાદથી તેની નિવૃત્તિ અંગે સતત ચર્ચા થઇ રહી છે.
બેઠકમાં નવા કેપ્ટન અંગે ચર્ચા:
એક અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન અંગે શનિવારે BCCI ની બેઠક યોજાઈ હતી. આ બેઠકની વિગતો લીક થઈ ગઈ છે. આ બેઠકમાં કેપ્ટન રોહિત શર્માની સાથે ચીફ સિલેક્ટર અજિત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર પણ હાજર હતા. એક મીડિયા અહેવાલ મુજબ, આ સમીક્ષા બેઠકમાં રોહિત શર્માએ કહ્યું કે તે થોડા સમય માટે કેપ્ટન રહેશે અને આ દરમિયાન BCCI આગામી કેપ્ટન શોધી શકે છે. તેણે આગામી કેપ્ટનની પસંદગીમાં સંપૂર્ણ ટેકો વચન આપ્યું.
બુમરાહ અંગે ચર્ચા:
એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત શર્મા પછી જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવા અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સર્વસંમતિ બની નથી. જેનું સૌથી મોટું કારણ જસપ્રીત બુમરાહનું વારંવાર ઈજાગ્રસ્ત થવું છે. BCCI એવા કેપ્ટનની શોધમાં છે, જે દરેક મેચમાં ટીમ સાથે રહી શકે.
આ પણ વાંચો…રોહિત શર્માએ નિવૃત્તિ લઇ જ લીધી હતી, પરંતુ આ કારણે બદલ્યો વિચાર!
જો કે એ નક્કી છે કે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે. ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં તે કેપ્ટન નહીં રહે તે પણ લગભગ નક્કી છે. એ પણ શક્ય છે કે રોહિત શર્માને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં ન આવે.