BCCIના નિર્ણય બાદ રોહિત શર્માએ ડોમેસ્ટિકમાં રમવાના આપ્યા સંકેત, પણ વિરાટ કોહલીનું મૌન

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી માત્ર વનડે ઇન્ટરનેશનલ(ODI) ક્રિકેટ જ રમી રહ્યા છે, તાજેતરમાં બંનેએ ઓસ્ટ્રેલિયા સામે લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોવા મળ્યા હતાં. ત્રીજી ODIમાં બંનેએ શાનદાર સારું પ્રદર્શન કર્યું હતું. ચાહકો બંનેને ODI વર્લ્ડ કપ 2027માં રમતા જોવા ઈચ્છે છે. એ પહેલા BCCIએ રોહિત અને વિરાટને સમય મળે ત્યારે તેમને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા કડક સુચના આપી છે.
BCCI એ રોહિત અને વિરાટને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ODI ટીમમાં રહેવું હશે તો ડોમેસ્ટિક ક્રિકેટ ફરજિયાત રમવું પડશે. બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે બંનેને જણાવ્યું કે ઇન્ટરનેશનલ શેડ્યુલમાંથી સમય મળે ત્યારે વિજય હજારે ટ્રોફી અથવા અન્ય ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ભાગ લેવો, જેથી મેચ ફિટનેસ અને લય જળવાઈ રહે. લાંબા વિરામ પછી બાદ સીધું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમાવું મુશ્કેલ રહે છે.
રોહિત શર્માએ તૈયારી બતાવી:
અહેવાલ મુજબ રોહિત શર્માએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ને જણાવ્યું છે કે તે વિજય હજારે ટ્રોફીની કેટલીક મેચ રમવા માટે તૈયાર છે. હાલ રોહિત મુંબઈની શરદ પવાર ઇન્ડોર એકેડેમીમાં ટ્રેનીંગ લઇ રહ્યો છે. અહેવાલ મુજબ તે સૈયદ મુશ્તાક અલી ટી20 ટુર્નામેન્ટમાં પણ કેટલીક મેચ રમી શકે છે.
વિરાટ હજુ લંડનમાં:
રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટ રમવા તૈયારી બતાવી છે ત્યારે વિરાટ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિરાટ હાલમાં લંડનમાં છે, પરંતુ BCCI ઈચ્છે છે કે તે ભારત આવીને પ્રેક્ટીસ કરે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લે.
વિજય હજારે ટ્રોફીમાં રમવું ફાયદાકાક રહેશે:
ભારતીય ટીમની દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝ સમાપ્ત થયા બાદ 24 ડિસેમ્બરથી વિજય હજારે ટ્રોફીની શરુઆત થશે, ત્યાર બાદ જાન્યુઆરીમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે ODI સિરીઝ રમવાની છે, ફોર્મ અને ફિટનેસ જાળવી રાખવા વિજય હજારે ટ્રોફીમાં રમવું બંને ખેલાડીઓ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
વિરાટ કોહલીની ઉંમર 37 વર્ષ છે, અને રોહિત શર્માની ઉંમર 38 વર્ષ છે, અવારનવાર બંને ODIમાંથી પણ નિવૃત્તિ જાહેર કરશે એવી અફાવા ઉડી ચુકી છે, બંનેએ આ અફવા ફગાવી હતી.
નોંધનીય છે કે ગત ડોમેસ્ટિક સિઝનમાં, રોહિત અને વિરાટે એક-એક રણજી મેચ રમી હતી. વિરાટ 12 વર્ષ પછી દિલ્હી માટે રમ્યો હતો અને રોહિત 10 વર્ષ પછી મુંબઈ માટે રમ્યો હતો.
આપણ વાંચો: ઇડન ગાર્ડન્સની પીચથી કેપ્ટન ગિલ અને કોચ ગંભીર નાખુશ! ગાંગુલી તપાસ કરવા આવ્યા, જાણો શું છે કારણ



