BCCI અને Dream11 વચ્ચેનો કોન્ટ્રાક્ટ સત્તાવાર રીતે રદ; Dream11 આ રીતે દંડથી બચી ગયું

મુંબઈ: અગામી મહીને UAEમાં રમાનાર એશિયા કપ 2025 ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર કોઈ પણ મેઈન સ્પોન્સરનો લોગો જોવા મળશે નહીં. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) એ આજે સોમવારે ડ્રીમ11 સાથેનો કોન્ટ્રાક્ટ સત્તાવાર રીતે રદ કર્યો છે. ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ11 હવે ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર નહીં રહેં.
તાજેતરમાં સમાપ્ત થયેલા ચોમાસું સત્ર દરમિયાન ભારત સરકારે સંસદમાં રજુ કરેલું પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ (Promotion and Regulation of Online Gaming Bill) બંને ગૃહોમાંથી પસાર થઇ ગયું છે, રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદો બની જશે. આ કાયદો લાગુ થતાં લાઈન ગેમિંગ અને બેટિંગની એપ્સ અને વેબસાઈટને માંથી અસર પહોંચશે, જેમાં ડ્રીમ11નો પણ સમાવેશ થાય છે.
હવે આવી કંપનીઓ સાથે જોડાણ નહીં કરીએ…
BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ પુષ્ટિ કરી છે કે ડ્રીમ11 સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું બોર્ડ ભવિષ્યમાં આવી સંસ્થાઓ સાથે જોડાણ નહીં કરે. તેમણે કહ્યું, “ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન બિલ, 2025 પસાર થયા પછી BCCI અને ડ્રીમ 11 તેમના સંબંધો તોડી રહ્યા છે. BCCI ભવિષ્યમાં આવી કોઈપણ સંસ્થા સાથે જોડાણ ન કરવાની ખાતરી આપે છે.”
મીડિયા રિપોર્ટ મુજબ અગાઉ ડ્રીમ11 ના પ્રતિનિધિઓએ મુંબઈમાં આવેલી BCCI ઓફિસે પહોંચ્યા હતાં અને બોર્ડના CEO ને જણાવ્યું હતું કે તેમની કંપની હવે ટીમને સ્પોન્સર નહીં કરી શકે. BCCI ટૂંક સમયમાં નવું ટેન્ડર બહાર પાડશે.
ડ્રીમ11 પર કોઈ દંડ નહીં:
અહેવાલ મુજબ સમય પહેલા કરાર રદ થવા છતાં BCCI ડ્રીમ11 પસેથી દંડ નહીં વસુલી શકે કેમ કે કરાર સમયે એક કલમ ઉમેંરવામાં આવી હતી જેનાથી ડ્રીમ11 દંડને પાત્ર નહીં રહે. આ કલમ મુજબ જો ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલા કાયદામાં ફેરફારથી સ્પોન્સરનો મુખ્ય વ્યવસાય પ્રભાવિત થાય છે, તો તેઓ ક્રિકેટ બોર્ડને કંઈપણ ચુકવણી કર્યા વગર કરાર રદ કરી શકે છે.
ડ્રીમ 11ની સ્થાપના 18 વર્ષ પહેલાં થઇ હતી હાલ તેનું મુલ્ય $૮ બિલિયન છે. જુલાઈ 2023માં ડ્રીમ 11 ભારતીય ક્રિકેટ ટીમની મુખ્ય સ્પોન્સર બની હતી.
આ પણ વાંચો…ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી; સોશિયલ મીડિયા પર લખી ઇમોશનલ પોસ્ટ