બીસીસીઆઇએ `વરસાદના પાણી પહેલાં પાળ બાંધી લીધી’: જાણો, કેવી રીતે…

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2025)ના લીગ રાઉન્ડમાં સામાન્ય રીતે વરસાદને કારણે રમતમાં વિલંબ થાય તો એ સરભર કરવા માટે 60 મિનિટનો વધારાનો સમય રાખવામાં આવે છે, પરંતુ બીસીસીઆઇ (BCCI)એ મંગળવારે કરેલી જાહેરાત મુજબ મંગળવાર, 27મી મે સુધી ચાલનારા લીગ રાઉન્ડમાં જો વરસાદ (RAIN)ના વિઘ્નો નડશે તો એ ખોરવાઈ ગયેલી મૅચમાં 60 મિનિટને બદલે 120 મિનિટનો વધારાનો સમય (EXTRA TIME) લાગુ કરાશે અને એમાં પૂરી 20-20 ઓવરની મૅચ રમાડીને મૅચનું પરિણામ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
હવે પછીની બાકીની આઠ લીગ મૅચ આ મુજબની છેઃ મુંબઈ વિ. દિલ્હી, ગુજરાત વિ. લખનઊ, બેંગલૂરુ વિ. હૈદરાબાદ, દિલ્હી વિ. પંજાબ, ગુજરાત વિ. ચેન્નઈ, કોલકાતા વિ. હૈદરાબાદ, મુંબઈ વિ. પંજાબ અને લખનઊ વિ. બેંગલૂરુ.
સામાન્ય રીતે મૅચ દીઠ વધારાના 120 મિનિટની સુવિધ પ્લે-ઑફની મૅચોમાં જ મળતી હોય છે, પરંતુ આ વખતે ભારત-પાકિસ્તાન જંગને લીધે શેડ્યૂલ નવ દિવસ માટે ખોરવાઈ ગયું અને હવે વરસાદની મોસમ વહેલી શરૂ થઈ જતાં લીગ મૅચને પણ 120 મિનિટના વધારાના સમયની સુવિધા આપવામાં આવી રહી છે કે જેથી કરીને આખી મૅચ રમાડી શકાય.
બાકીના લીગ રાઉન્ડમાં એકમાત્ર ડે-મૅચ (ગુજરાત વિરુદ્ધ ચેન્નઈ) રમાવાની છે. નવા ફેરફાર મુજબ બાકીની સાત નાઇટ મૅચ છે. ડે મૅચમાં વરસાદનું વિઘ્ન નડશે તો મોડામાં મોડું સાંજે 5.30 વાગ્યા સુધીમાં 20-20 ઓવરની મૅચ શરૂ કરી શકાશે.
નાઇટ મૅચમાં વરસાદ નડે તો મોડામાં મોડું રાત્રે 9.30 વાગ્યા સુધીમાં 20-20 ઓવરની મૅચ શરૂ કરી શકાશે.
આ વખતની આઇપીએલમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ મૅચ ધોવાઈ ગઈ છે અને સંબંધિત ટીમોને એક-એક પૉઇન્ટ આપી દેવાયો છે.
આ પણ વાંચો…આઇપીએલની પ્લે-ઑફ અને ફાઇનલ ક્યાં રમાશે એ નક્કી થઈ ગયું