સ્પોર્ટસ

પ્રવાસમાં ફેમિલીનો સાથ: કોહલીની કથની કામ કરી ગઈ, બીસીસીઆઈ કદાચ નિયમ હળવો કરશે…

નવી દિલ્હી: ક્રિકેટ પ્રવાસ દરમ્યાન ખેલાડીઓ સાથે પત્ની, ગર્લફ્રેન્ડ કે પરિવારના કોઈ મેમ્બર હોવા જોઈએ કે નહીં એ મુદ્દે બીસીસીઆઈએ લાગુ કરેલા નવા નિયમ સામે વિરાટ કોહલીએ તાજેતરમાં જે ટીકાત્મક વિધાનો કહ્યા એને પગલે ક્રિકેટ બોર્ડ દ્વારા એ નિયમો હળવા કરવામાં આવી રહ્યા હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ખેલાડીનો પ્રવાસ જો 45 દિવસ કે એનાથી વધુ દિવસોનો હોય તો તે પરિવારજનોને પ્રવાસમાં પોતાની સાથે 14 દિવસથી વધુ સમય માટે નહીં રાખી શકે એ સહિતના નિયમો તાજેતરમાં લાગુ કરાયા હતા.

આ પણ વાંચો: પ્રવાસમાં ખેલાડીઓ સાથે ફૅમિલી હોવી જોઈએ કે નહીં? એ મુદ્દે કપિલ દેવનો રસપ્રદ અભિપ્રાય જાણી લો

જોકે કોહલીએ તાજેતરમાં બેંગ્લૂરુ ખાતે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ‘ટૂર દરમ્યાન જો પરિવારજનો ખેલાડીની સાથે જ હોય તો એ ખેલાડીને માનસિક દબાણ જેવી સ્થિતિમાંથી બહાર આવવામાં ઘણી મદદ મળે. પ્રવાસમાં પરિવારજનો જો ખેલાડીઓની સાથે હોય તેનાથી ખેલાડીઓને જે ફાયદો થાય એનું મૂલ્ય ઘણા લોકોને નથી સમજાતું. ખેલાડી એકલો ઉદાસ થઈને હોટેલની રૂમમાં બેઠો રહે એના કરતાં ફેમિલી સાથે હળવી પળો માણે તો મેદાન પર તેના પર્ફોર્મન્સ પર પણ સારી અસર થઈ શકે છે.

કોહલીએ બેંગ્લૂરુમાં આરસીબીના એક કાર્યક્રમમાં એવું પણ કહ્યું હતું કે ‘તમે કોઈપણ ખેલાડીને પૂછશો કે પ્રવાસ દરમ્યાન ફેમિલી તમારી સાથે હોય તો તમને ગમશે? તો એ ખેલાડી તરત ‘હા’માં જ જવાબ આપશે. ક્રિકેટ રમવું એ ખેલાડીની જવાબદારી છે અને એ જવાબદારી પૂરી થયા પછી તે પોતાનું મન પોતાની મનગમતી વ્યક્તિઓ વચ્ચે બેસીને હળવું કરે એમાં ખોટું શું છે?

આ પણ વાંચો: ભારતની આ મહિલા હાર્ડ હિટર ચમકી બોલિંગમાં, હૅટ-ટ્રિક લઈને તરખાટ મચાવ્યો

એક જાણીતી વેબસાઈટના અહેવાલ મુજબ ક્રિકેટરો જો હવેથી પોતાના પરિવારજનોને ટૂરમાં લાંબો સમય સાથે રાખવામાં માગશે તો એ માટે તેઓ બીસીસીઆઈ પાસેથી પરવાનગી મેળવી શકશે.

તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી વખતે વિરાટ કોહલી, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી પોતાના પરિવારજનોને દુબઈ પોતાની સાથે લઈ ગયા હતા. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ત્રીજી વાર જીતીને નવો વિશ્વ વિક્રમ કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button