
વડોદરાઃ ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂકેલા કપિલ દેવની વિનંતી BCCIએ કાને ધરી છે અને ગણતરીના કલાકોમાં જ ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉચ અંશુમન ગાયકવાડને રૂ. એક કરોડની મદદ કરવાની જાહેરાત કરી હતી. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે મેડિકલ ફંડ હેઠળ આ મદદ જાહેર કરી હતી.
આજે સવારે જ સમાચાર વહેતા થયા હતા કે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર તેમજ પૂર્વ કૉચ અંશુમન ગાયકવાડની હાલત ગંભીર થઇ ગઈ છે. બ્લડ કેન્સર જેવી ખતરનાક બીમારી સામે ઝઝુમી રહેલા અંશુમન ગાયકવાડ ની તબિયત લથડતા વડોદરાના ગોરવા વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલમાં જ પૂર્વ કેપ્ટન કપિલ દેવે હવે અંશુમાન ગાયકવાડની સ્થિતિ વિશે વાત કરી હતી અને સાથે જ બીસીસીઆઈ પાસે મદદ માંગી હતી. આ પૂર્વ ક્રિકેટરને મદદ કરવા કપિલ દેવે અપીલ કરી છે. કપિલે કહ્યું કે, આ ખૂબ જ નિરાશાજનક છે. હું દુ:ખી છું કારણ કે હું ગાયકવાડ સાથે ઘણો રમ્યો છું અને તેમને આ સ્થિતિમાં નથી જોઈ શકતો. તેમણે ક્રિકેટ ચાહકોને પણ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે.
71 વર્ષીય અંશુમન ગાયકવાડ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન તેમજ કોચ પણ રહી ચૂક્યા છે. 1975 થી 1987 સુધી અંશુમન ગાયકવાડનું ટેસ્ટ કરિયર રહ્યુ હતુ જેમાં તેમને ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી. ત્યારે અંશુમન 1997થી 1999 સુધી અને પછી ફરીથી વર્ષ 2000માં ભારતીય ટીમના કોચ બન્યા હતા. અને તેમના અંશુમનના કાર્યકાળ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ 2-1થી ભારતીય ટીમે જીતી મેળવી હતી.