ભારતની વર્લ્ડ ચેમ્પિયન U-19 ટીમને મળ્યું મોટું ઇનામ! BCCI એ કરી આવી જાહેરાત

મુંબઈ: ભારતની અંડર-19 મેન્સ ક્રિકેટ ટીમ શુક્રવારે ICC અંડર-19 વર્લ્ડ ODI વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન બની. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડીયા (BCCI) એ અંડર-19 ક્રિકેટ ટીમ માટે મોટા ઇનામની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે ભારતની અંડર-19 ટીમે વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કર્યું, ટીમ સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહી. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક નિવેદનમાં ભારતની અંડર-19 ટીમ પર ગર્વ વ્યક્ત કર્યો. તેમણે જાહેરાત કરી કે BCCI ટીમને ₹7.5 કરોડનું રોકડ ઇનામ આપશે.
એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા દેવજીત સૈકિયાએ કહ્યું, “BCCI અને આખો દેશ આપણી અંડર-19 ટીમ પર ગર્વ અનુભવી રહ્યો છે. આપણી ટીમે ફાઇનલમાં ઇંગ્લેન્ડને જે રીતે હરાવ્યું અને ટુર્નામેન્ટમાં ટીમ જેવી રીતે અપરાજિત રહી, તેના પર આપણને બધાને ગર્વ છે. BCCI ટીમને ₹7.5 કરોડ રોકડ ઇનામ આપશે.”
વડાપ્રધાને પણ ગર્વ વ્યક્ત કર્યો:
નોંધનીય છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અંડર-19 ટીમ અભિનંદન પાઠવ્યા હતાં. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું, “ભારતની ક્રિકેટ પ્રતિભા ચમકી રહી છે! વર્લ્ડ કપ ઘરે લાવવા બદલ આપણી અંડર-19 ટીમ પર ગર્વ છે. ટીમે આખી ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ સ્કિલનું પ્રદર્શન કર્યું છે. આ જીત ઘણા યુવા ખેલાડીઓને પણ પ્રેરણા આપશે. આ ખેલાડીઓને ભવિષ્ય માટે શુભકામનાઓ.”
વૈભવ રહ્યો જીતનો હીરો:
ઝિમ્બાબ્વેના હરારેમાં રમાયેલી ICC અંડર-19 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 100 રનથી જીત મેળવીને ટાઈટલ જીત્યું. ફાઈનલ મેચમાં જીતનો હીરો 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી રહ્યો, જેને માત્ર 80 બોલમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી 175 રન બનાવ્યા, ક્રિકેટ ચાહકો તેને ઝડપથી ભારતની સિનીયરમાં જોવા ઈચ્છી રહ્યા છે.
ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા, ભારતે 9 વિકેટે 411 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો. 412 રનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 311 રનમાં ઓલઆઉટ થઇ ગઈ.
2000, 2008, 2012, 2018 અને 20222 બાદ ભારતીય ટીમે આ પાંચમી વાર અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે.
આપણ વાંચો: સૂર્યકુમારે આબરૂ સાચવીઃ બોલર્સે શરમજનક સ્થિતિ સામે બચાવ્યા



