આજે બૅન્ગલોર અને દિલ્હી વચ્ચે જંગ: જે જીતશે એ રચી દેશે નવો ઇતિહાસ

નવી દિલ્હી: મહિલાઓની આઇપીએલ એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં આજે સાંજે 7.30 વાગ્યાથી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) અને દિલ્હી કૅપિટલ્સ (ડીસી) વચ્ચે ફાઇનલ જંગ છે અને બેમાંથી જે ટીમ જીતશે એ આ ટૂર્નામેન્ટમાં જ નહીં, પણ પોતાના ફ્રૅન્ચાઇઝી માટે નવો ઇતિહાસ રચશે.
પુરુષોની આઇપીએલના 16 વર્ષના ઇતિહાસમાં બૅન્ગલોર કે દિલ્હી, બેમાંથી એકેય ટીમ ટાઇટલ નથી શકી. જોકે આ બન્ને ફ્રૅન્ચાઇઝીની મહિલા ટીમને આજે જીતવાની સુવર્ણ તક છે. બૅન્ગલોર જીતશે કે દિલ્હી, તેમનાં ફ્રૅન્ચાઇઝીને દેશની ટોચની લીગ ટી-20 ટૂર્નામેન્ટનું પહેલું ટાઇટલ મળશે.
એ ઉપરાંત, ડબ્લ્યૂપીએલને નવું ચૅમ્પિયન મળશે, કારણકે 2023ની પ્રથમ સીઝનમાં વિમેન્સ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વિજેતા બની હતી. જોકે સેમિ ફાઇનલ જેવી એલિમિનેટરમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં મુંબઈની ટીમનો સ્મૃતિ મંધાનાની બૅન્ગલોરની ટીમ સામે પરાજય થયો હતો. દિલ્હીની ટીમ 2023માં રનર-અપ રહી હતી, પણ આ વખતે પૉઇન્ટ્સ-ટેબલમાં
ટૉપ પર રહીને ફાઇનલમાં પહોંચી છે અને હવે એને પણ પહેલી ટ્રોફી જીતવાનો મોકો છે.
ડીસીએ અત્યાર સુધીમાં આરસીબીને ચારેય મુકાબલામાં હરાવી છે. આજે પાંચમો મુકાબલો જીતવાનો એને મોકો છે, જ્યારે આરસીબીને એની સામે પહેલી વાર જીતવાની તક પણ છે.
ડીસીની કૅપ્ટન મેગ લેનિંગ 308 રન સાથે આ વખતની ટૂર્નામેન્ટની બૅટર્સમાં બીજા સ્થાને છે. જોકે ફક્ત પાંચ રન કરશે એટલે બૅન્ગલોરની એલીસ પેરી (312 રન)ને ઓળંગી જશે. જોકે પેરીને આજે મોટી ઇનિંગ્સ રમીને ટૉપ પર રહેવાની તક છે.
ઓપનિંગમાં લેનિંગ અને શેફાલી વર્મા દાવની સારી શરૂઆત કરશે તો બૅન્ગલોરની ટીમ માટે મુશ્કેલી વધી જશે.
મંધાના કુલ 269 રન સાથે તમામ બૅટર્સમાં પાંચમા નંબરે છે. આજે તેને પણ મોટી ઇનિંગ્સ રમીને સીઝનની નંબર-વન બૅટર બનવાનો મોકો છે. એવું થશે તો તે ગયા વર્ષની પોતાની નિષ્ફળતાને ભૂલાવી શકશે.