બૅટિંગ-લેજન્ડ દ્રવિડના દીકરાએ મુંબઈ સામે બોલિંગમાં કર્યું પરાક્રમ?: જાણો, ડૅડી કેમ તેને કોચિંગ નથી આપતા

શિમોગા: ભારતીય બૅટિંગ-લેજન્ડ અને ‘ધ વૉલ’ તરીકે જાણીતો રાહુલ દ્રવિડ હોમ-ટાઉન ઇન્દોરમાં અફઘાનિસ્તાન સામે રવિવારે રમાનારી બીજી ટી-20 મૅચ માટે ભારતીય ટીમના ખેલાડીઓને કોચિંગ આપી રહ્યો છે ત્યારે તેનો પુત્ર કર્ણાટકના શિમોગા શહેરના મેદાન પર ફાસ્ટ બોલિંગથી ધૂમ મચાવી રહ્યો છે.
અન્ડર-19 ખેલાડીઓ માટેની કૂચ બિહાર ટ્રોફીની મુંબઈ સામેની ફાઇનલમાં 18 વર્ષનો રાઇટ-આર્મ પેસ બોલર સમિત દ્રવિડ કર્ણાટક વતી રમી રહ્યો છે. તેણે ઑલરાઉન્ડર છે અને ફાઇનલ પહેલાંની સાત મૅચમાં તેણે ત્રણ હાફ સેન્ચુરીની મદદથી 370 રન બનાવ્યા હતા તેમ જ ત્રણ વિકેટ લીધી હતી.
સમિત દ્રવિડે શિમોગાની ફાઇનલમાં ધારદાર બોલિંગથી મુંબઈના ડેન્જરસ બૅટર આયુષ સચિન વર્તક (73 રન)ની અને વિકેટકીપર પ્રતીક યાદવ (30 રન)ને આઉટ કરીને કર્ણાટકને વધુ મોટી મુશ્કેલીમાંથી ઉગાર્યું હતું. સમિત દ્રવિડે બે કૅચ પણ પકડ્યા હતા. જોકે મુંબઈની ટીમ ઓપનર આયુષ મ્હાત્રેના 145 રનની મદદથી 380 રનનો તોતિંગ સ્કોર નોંધાવવામાં સફળ થઈ હતી.
રાહુલ દ્રવિડે શનિવારે એક મુલાકાતમાં આશ્ર્ચર્ય પમાડનારી વાત કરી હતી.
રાહુલ આખી ટીમ ઇન્ડિયાને કોચિંગ આપે છે, નજીકના ભૂતકાળમાં ઇન્ડિયા ‘એ’ ટીમને તેમ જ અન્ડર-19 ટીમના ખેલાડીઓને પણ કોચિંગ આપી ચૂક્યો છે, પરંતુ પુત્ર સમિતને કેમ તાલીમ નથી આપતા એ વિશે પૂછાતાં રાહુલે કહ્યું, ‘પૅરેન્ટ અને કોચ, આ બંને જવાબદારી પૂરી કરવી મુશ્કેલ બની જતી હોવાથી હું સમિતના માત્ર ફાધર બની રહેવામાં જ ખુશ છું. તેને કોચિંગ નથી આપતો.’