બૉલ બાઉન્ડરી લાઇનની બહાર ન ગયો છતાં બૅટરને મળ્યા ચાર રન, જાણો કેવી રીતે…
રાવલપિંડી: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને ગુરુવારના બીજા દિવસે બે બૅટરની સેન્ચુરીની મદદથી છ વિકેટે 448 રન બનાવીને પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો અને ત્યાર બાદ બાંગ્લાદેશે રમતના અંત સુધીમાં વિના વિકેટે 27 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ઇનિંગ્સમાં એક તબક્કે અનોખો બનાવ બન્યો હતો જેમાં બૉલ બાઉન્ડરી લાઇન પહેલાં જ અટકી ગયો હતો અને બન્ને બૅટરે દોડીને ચાર રન લીધા હતા.
મોહમ્મદ રિઝવાન (171 અણનમ, 239 બૉલ, ત્રણ સિક્સર, અગિયાર ફોર) અને સાઉદ શકીલ (141 રન, 261 બૉલ, નવ ફોર)ની સદીએ પાકિસ્તાનનો સ્કોર સાડાચારસોની નજીક પહોંચાડ્યો હતો. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 240 રનની ભાગીદારી થઈ હતી.
આ પણ વાંચો : રોહિતને જોતા જ શ્રેયસ ઐય્યર ઉભો થઇ ગયો; પછી રોહિતે જે કર્યું એનાથી ચાહકોના દિલ જીતી લીધા…
બાંગ્લાદેશ વતી શોરિફુલ ઇસ્લામ અને હસન મહમૂદે બે-બે વિકેટ લીધી હતી.
જવલ્લે જ જોવા મળે એવા એક બનાવમાં રિઝવાન-શકીલે જાગરૂકતા, ચપળતાથી અને ઝડપભેર દોડીને ચાર રન લીધા હતા.
નાહિદા રાણાના કલાક દીઠ 147.6 કિલોમીટરની ઝડપવાળા બૉલમાં શકીલે મિડ-ઑફ તરફ બૉલ મોકલ્યો હતો. ફીલ્ડર શૉરિફુલના હાથને લાગ્યા બાદ બૉલ બાઉન્ડરીની દિશામાં ગયો હતો, પણ ધીમો પડતો ગયો હતો. બૉલ બાઉન્ડરી સુધી નહોતો પહોંચ્યો અને કૅપ્ટન શૅન્ટોએ બૉલ ઉપાડીને ફેંક્યો ત્યાં સુધીમાં બૅટર્સે દોડીને ચાર રન પૂરા કરી લીધા હતા.