ટીમના ડૉક્ટરનું નિધન થતાં ફૂટબૉલ મૅચ આરંભની 15 મિનિટ પહેલાં મોકૂફ રખાઈ!

બાર્સેલોનાઃ સામાન્ય રીતે ફૂટબૉલની કે ક્રિકેટની કે અન્ય કોઈ રમતની મૅચ અતિશય વરસાદને લીધે કે અન્ય કોઈ અનિવાર્ય કારણસર રદ કરવામાં આવતી હોય છે અથવા મુલતી રાખવામાં આવતી હોય છે, પરંતુ અહીં શનિવારે જે બન્યું એવું અગાઉ ભાગ્યે જ થયું હશે.
બાર્સેલોના ટીમના ડૉક્ટર કાર્લ્સ મિનારૉ ગાર્સિયાનું અકાળે અવસાન થતાં સ્પૅનિશ લીગમાં ઓસસુના સામેની મૅચ છેલ્લી ઘડીએ મોકૂફ રખાઈ હતી.
આપણ વાંચો: આઇસીસીના નવા ચૅરમૅન જય શાહને કઈ સત્તા મળી, કેટલી સૅલરી અને બીજું ઘણું જાણવા જેવું…
સ્પેનના બાર્સેલોના શહેરમાં શનિવારે રાત્રે 9.00 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ બાર્સેલોના ટીમના ડૉક્ટરનું સાંજે અવસાન થયું હોવાની જાણ કરીને મૅચ આરંભના 15 મિનિટ પહેલાં મોકૂફ જાહેર કરવામાં આવી હતી.
બાર્સેલોનાની ટીમે ડૉક્ટરના અવસાનનું કારણ સત્તાવાર રીતે નહોતું જણાવ્યું. જોકે સ્થાનિક અખબારો અને વેબસાઇટના અહેવાલો અનુસાર કાર્લ્સ તબીબી કારણસર અવસાન પામ્યા હતા.
કાર્લ્સ 50 વર્ષના હતા. તેઓ ગઈ સીઝનમાં બાર્સેલોના ટીમ સાથે જોડાયા હતા. બાર્સેલોનાની ટીમે મૅચ મોકૂફ રાખવાની વિનંતી કરી જેને ઓસસુનાની ટીમે તરત સ્વીકારી લીધી હતી.