પેમેન્ટના પ્રશ્ને બાંગ્લાદેશમાં બબાલઃ ફ્રૅન્ચાઇઝીએ પૈસા ન આપતાં બસ ડ્રાઇવરે ક્રિકેટરોને કિટ પાછી ન આપી!
ઢાકાઃ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં પેમેન્ટને લઈને મોટો વિવાદ થયો છે. દરબાર રાજશાહી ટીમના ફ્રૅન્ચાઇઝીના માલિકોએ પૈસા ન ચૂકવ્યા એટલે આ ટીમની બસના ડ્રાઇવરે ટીમના તમામ ખેલાડીઓની કિટ એક ખાનામાં બંધ કરી દીધી હતી અને એ પાછી આપવાની ના પાડી હતી.
બસના ડ્રાઇવરે કહ્યું હતું કે જ્યાં સુધી તેના નીકળતા સાત લાખ રૂપિયા છૂટા નહીં કરવામાં આવે ત્યાં સુધી ખેલાડીઓને કિટ પાછી નહીં આપે.
નક્કી થયેલો પગાર ન મળતાં વિદેશી ખેલાડીઓએ એક મૅચમાં રમવાનું ટાળ્યું હતું.
પાકિસ્તાનના મોહમ્મદ હૅરિસ, અફઘાનિસ્તાનના આફતાબ આલમ, વેસ્ટ ઇન્ડિઝના માર્ક ડેયાલ, ઝિમ્બાબ્વેના રાયન બર્લ અને વેસ્ટ ઇન્ડિઝના મિગેલ કમિન્સને નિર્ધારિત પેમેન્ટ નહોતું થયું. કેટલાક ખેલાડીઓને આખી સૅલરી નથી અપાઈ, જ્યારે અમુકને ફક્ત પચીસ ટકા પગાર મળ્યો છે.
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાનના 23 ફેબ્રુઆરીના મુકાબલાની ટિકિટો વિશે લેટેસ્ટ શૉકિંગ જાણવું છે?
મોહમ્મદ બાબુલ નામના બસ ડ્રાઇવરે પત્રકારોને કહ્યું હતું કે આ બહુ શરમજનક કહેવાય. મને મારા નીકળતા પૈસા નથી અપાયા એટલે મેં ટીમના સ્થાનિક અને વિદેશી ખેલાડીના કિટ બસમાં જ લૉક કરી દીધા છે. પૈસા મળશે પછી જ પાછા આપીશ.' રાજશાહી ટીમના બસ ડ્રાઇવરે એવું પણ કહ્યું હતું કે
ઝિમ્બાબ્વેના રાયન બર્લ સાથે મારી વાત થઈ છે. તેણે અને અન્ય કેટલાકે મને કહ્યું છે કે અમને હજી અમારી નીકળતી રકમ નથી મળી. રાજશાહી ટીમના માલિકે મને કહ્યું છે કે તેઓ પેમેન્ટ માટે પ્રયત્ન કરી રહ્યા છે. બાંગ્લાદેશ સરકારના ખેલકૂદ સલાહકાર આસિફ મહમૂદ તેમને મળ્યા છે અને વહેલાસર પેમેન્ટ ચૂકવવાની સૂચના આપી છે.’