બાંગ્લાદેશના હેડ-કોચનો હુંકાર…` કોઈ પણ ટીમ ભારતને હરાવી શકે, બુધવારે અમે હરાવીને રહીશું' | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

બાંગ્લાદેશના હેડ-કોચનો હુંકાર…` કોઈ પણ ટીમ ભારતને હરાવી શકે, બુધવારે અમે હરાવીને રહીશું’

દુબઈઃ એશિયા કપમાં ભારતે રવિવારે પાકિસ્તાનને બીજી વાર કચડી નાખ્યું ત્યાર પછી હવે બુધવારે (રાત્રે 8.00 વાગ્યાથી) સુપર-ફોર રાઉન્ડમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ (BANGLADESH) સાથે છે અને એમાં પણ ભારત (INDIA) જીતીને ફાઇનલમાં ઑલમોસ્ટ પહોંચી જશે, પરંતુ એ પહેલાં બાંગ્લાદેશના હેડ-કોચ ફિલ સિમોન્સે (PHIL SIMMONS) ભારપૂર્વક કહ્યું છે કે ભારતને કોઈ પણ ટીમ હરાવી શકે અને બુધવારે તેમની ટીમ પણ ભારતને હરાવી દેશે.

મેન ઇન બ્લૂ તરીકે જગવિખ્યાત ટીમ ઇન્ડિયા ટી-20માં વર્લ્ડ ચૅમ્પિયન તેમ જ રૅન્કિંગમાં વર્લ્ડ નંબર-વન છે. ટાઇગર્સ' તરીકે ઓળખાતી બાંગ્લાદેશની ટીમ છેક નવમા સ્થાને છે. ફિલ સિમોન્સે એવી પણ ડંફાસ મારી છે કે સૂર્યકુમાર યાદવ અને તેની ટીમે છેલ્લી ચાર મૅચમાં શું સિદ્ધ કર્યું છે એ બાબતને અમે નજરઅંદાજ કરીને એટલું જ જાણીએ છીએ કે બુધવારે અમે ભારતને હરાવી દઈશું. ભારતને કોઈ ટીમ ન હરાવી શકે એવું નથી, કોઈ પણ ટીમ હરાવી શકે.’

શનિવારે બાંગ્લાદેશે શ્રીલંકાને માત્ર એક બૉલ બાકી રાખીને હરાવી દીધું હતું અને એ વિજયને લીધે લિટન દાસના નેતૃત્વમાં બાંગ્લાદેશની ટીમનો ઉત્સાહ વધી ગયો છે. એ પહેલાં, લીગ રાઉન્ડમાં બાંગ્લાદેશની ટીમ અફઘાનિસ્તાનને માત્ર આઠ રનથી હરાવી શક્યું હતું અને એ અગાઉ બાંગ્લાદેશની શ્રીલંકા સામે છ વિકેટે હાર થઈ હતી.

ફિલ સિમોન્સ 1980 તથા 1990ના દાયકામાં રમ્યા હતા. તેમણે ભારત સામેના બુધવારના મુકાબલા વિશે પૂછાતાં વધુમાં કહ્યું, ` ભારત આ ટૂર્નામેન્ટમાં ભલે ગમે એટલું સારું રમ્યું હોય, મૅચના દિવસે (સાડાત્રણ કલાકમાં) જે ચડિયાતી ક્ષમતાથી રમશે એ જીત માણશે. અમારી ટીમ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરવાનો પ્રયત્ન કરશે અને આશા રાખીએ છીએ કે અમારી ટીમ ભારતીય ખેલાડીઓના પર્ફોર્મન્સમાં કચાશ શોધીને એનો લાભ ઉઠાવશે. એ રીતે, અમે જીતી શકીશું.’

ફિલ સિમોન્સે દુબઈના મેદાનની પિચ વિશે કહ્યું, ` દુબઈની પિચ બૅટિંગ માટે ખૂબ સારી છે અને મારી દૃષ્ટિએ ટૉસ અમારા માટે બહુ મહત્ત્વનો નહીં રહે. રવિવારે ભારત-પાકિસ્તાનની મૅચમાં અમે જોયું કે પિચ બૅટિંગ માટે ઘણી સારી હતી.’

આ પણ વાંચો…પાકિસ્તાન સામે વિસ્ફોટક ઇનિંગ બાદ રવિચંદ્રન અશ્વિન અને કેવિન પીટરસને કર્યા વખાણ, જાણો શું કહ્યું?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button