પાકિસ્તાને 26 રનમાં છ વિકેટ લીધી તો બાંગ્લાદેશે પણ વળતો જવાબ આપ્યો! | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

પાકિસ્તાને 26 રનમાં છ વિકેટ લીધી તો બાંગ્લાદેશે પણ વળતો જવાબ આપ્યો!

રાવલપિંડી: બાંગ્લાદેશની ટીમ ગયા અઠવાડિયે પાકિસ્તાનને અહીં એની જ ધરતી પર હરાવીને ઐતિહાસિક ટેસ્ટ વિજય મેળવી ચૂકી છે અને જડબાતોડ જવાબ આપવાનું નજમુલ શૅન્ટોની ટીમે બીજી ટેસ્ટમાં પણ ચાલુ જ રાખ્યું છે. પહેલા દાવમાં રવિવારના ત્રીજા દિવસે પાકિસ્તાનના બોલર્સે નિર્જીવ પિચ પર બાંગ્લાદેશની ફક્ત 26 રનમાં છ વિકેટ લઈ લીધી, પરંતુ બે બાંગ્લાદેશી બૅટર્સે વળતો જવાબ આપ્યો હતો.

શુક્રવારના પ્રથમ દિવસે વરસાદને લીધે રમત નહોતી થઈ શકી અને શનિવારે પાકિસ્તાનની ટીમ 274 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. રવિવારે સવારે પેસ બોલર ખુર્રમ શાહઝાદ અને મીર હમઝાએ મળીને માત્ર 26 રનમાં બાંગ્લાદેશની પહેલી છ વિકેટ લઈ લીધી હતી, પરંતુ પછીથી વિકેટકીપર લિટન દાસ અને ઇન-ફૉર્મ ઑલરાઉન્ડર મેહદી હસન મિરાઝની જોડીએ કમાલની ભાગીદારી કરી હતી. તેમણે ધબડકો અટકાવીને 40 ઓવરમાં 165 રનની ભાગીદારી કરી હતી. મિરાઝ 124 બૉલમાં એક સિક્સર અને બાર ફોરની મદદથી 78 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ લિટન દાસ ક્રીઝમાં ટકી રહ્યો હતો અને બાંગ્લાદેશના સ્કોરને તેણે બીજા જોડીદારો સાથે મળીને 200 પાર કરાવડાવ્યો હતો.

આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે બાંગ્લાદેશનો પ્રથમ દાવનો સ્કોર આઠ વિકેટે 202 રન હતો. આઠમાંથી છ વિકેટ ખુર્રમે અને બે વિકેટ હમઝાએ લીધી હતી.

આ પણ વાંચો : ઈંગ્લૅન્ડ આજ-કાલમાં જ બીજી ટેસ્ટ અને સિરીઝ જીતી શકે છે, જાણો કેવી રીતે…

બાંગ્લાદેશે બે મૅચવાળી આ શ્રેણીની પહેલી ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું હતું. બાંગ્લાદેશની પાકિસ્તાન સામેની એ ટેસ્ટના ઇતિહાસમાં પહેલી જ જીત હતી. હવે બાંગ્લાદેશ ઐતિહાસિક સિરીઝ વિજય માટે સંઘર્ષ કરી રહ્યું છે

Back to top button