ભારતના મેડલ-વિજેતા તીરંદાજોએ હિંસાગ્રસ્ત ઢાકામાં સલામતી વગર 10 કલાક વીતાવવા પડ્યા!

મહિલાઓ સહિતના આર્ચરને ફ્લાઇટ રદ થયા પછી ધરમશાળામાં ઊતારો અપાયો
કોલકાતાઃ બાંગ્લાદેશમાં વર્તમાન સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા આપવાની જાહેરાત કરી એને પગલે પાટનગર ઢાકામાં ફરી હિંસા (Violence) ભડકી ઊઠી છે એવા માહોલમાં ભારતના મેડલ-વિજેતા તીરંદાજો સહિત કુલ 11 તીરંદાજ બે દિવસ પહેલાં ઢાકા (Dhaka)માં ફસાઈ ગયા હતા અને તેમણે લગભગ 10 કલાક સલામતી કવચ વિના પસાર કરવા પડ્યા હતા. આ તીરંદાજો કુલ છ ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા.
એક તરફ મહિલા તીરંદાજો (Archers) સહિતના આ ઍથ્લીટો એશિયન ચૅમ્પિયનશિપ્સમાં ચંદ્રકો જીતીને આનંદિત હતા ત્યાં બીજી તરફ તેમણે ફ્લાઇટ્સ રદ થવાને કારણે ઢાકામાં પરેશાન થવું પડ્યું હતું. શનિવારે રાત્રે તેઓ રાત્રે 9.30 વાગ્યાની ફ્લાઇટ માટે અગાઉથી જ ઢાકા ઍરપોર્ટ પર પહોંચી ગયા હતા. એમાં વરિષ્ઠ તીરંદાજો અભિષેક શર્મા, જ્યોતિ સુરેખા તેમ જ ઑલિમ્પિયન ધીરજ બોમ્બાદેવરાનો પણ સમાવેશ હતો. તમામ તીરંદાજોમાં સાત મહિલા તેમ જ બે સગીર વયના તીરંદાજનો પણ સામેલ હતા.

આ ભારતીય તીરંદાજો વિમાનમાં બેસી ગયા ત્યાર પછી તેમને કહેવામાં આવ્યું કે વિમાનમાં યાંત્રિક ખરાબી થવાને કારણે આ વિમાન નહીં ઉડાડવામાં આવે. તીરંદાજો વિમાનમાંથી ઊતર્યા બાદ રાત્રે બે વાગ્યા સુધી ટર્મિનલમાં બેઠા રહ્યા હતા અને એ દરમ્યાન તેમને કઈ ફ્લાઇટમાં દિલ્હી મોકલવામાં આવશે એ પણ સ્થાનિક સત્તાધીશો દ્વારા ખુલાસો નહોતો કરવામાં આવ્યો. છેવટે તેમને કહેવામાં આવ્યું કે (શનિવારની) એ રાત્રે તેમના માટે કોઈ જ વૈકલ્પિક ફ્લાઇટ નથી.
એક તરફ ઢાકામાં તોફાનો શરૂ થઈ ગયા હતા અને એમાં પણ ખાસ કરીને બાંગ્લાદેશમાં ભારત તથા હિન્દુ વિરોધી તત્ત્વો બે વર્ષથી સક્રિય છે એટલે તીરંદાજો સહિતની સ્ક્વૉડના કુલ 23 મેમ્બર્સ ભયભીત હતા. ઢાકામાં રઝળી પહેલા 11 ભારતીય તીરંદાજોને બારી વિનાની બસમાં બેસાડીને અડધા કલાકની મુસાફરી બાદ ધરમશાળા જેવી એક લૉજમાં લઈ જવામાં આવ્યા હતા. 2018માં અને 2022માં એશિયન ગેમ્સનો સિલ્વર મેડલ જીતી ચૂકેલા તીરંદાજ અભિષેકે પીટીઆઇને કહ્યું કે ` આ લૉજ યોગ્ય હૉટેલ જેવી નહોતી.
અમને ગેસ્ટ હાઉસના નામે ધરમશાળા જેવા બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા હતા. એમાં ડૉર્મિટરીની વ્યવસ્થામાં મહિલા તીરંદાજો માટે એક રૂમમાં છ પલંગ હતા અને એક જ ટૉઇલેટ હતું જેની હાલત ખૂબ ખરાબ હતી. મને નથી લાગતું કે એકપણ તીરંદાજે એવા ગંદા બાથરૂમમાં નહાવાનું પસંદ કર્યું હશે. ઢાકામાં ઇન્ટરનૅશનલ ડૅબિટ/ક્રૅડિટ કાર્ડ સ્વીકાર્ય ન હોવાથી અમે લાચાર હતા.
ઉબરનો પણ લાભ નહોતા લઈ શક્યા, કારણકે પેમેન્ટની મેથડમાં ક્ષતિ બતાવાતી હતી. અમારા માટે રવિવારે સવારે 11.00 વાગ્યા આસપાસની ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે એવું જો અમને કહેવામાં આવ્યું હોત તો અમે ઍરપોર્ટમાં જ બેઠા રહ્યા હોત. કલાકો પછી અમને ફ્લાઇટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.’
કેટલાક તીરંદાજોએ દિલ્હી પહોંચ્યા પછી પણ પોતાના શહેર માટેની ફ્લાઇટ મોડી પડવાની પરેશાની ભોગવવી પડી હતી. હૈદરાબાદ અને વિજયવાડાની ફ્લાઇટ ન મળી શકતા ઍથ્લીટોએ નવા બુકિંગ કરવા પડ્યા હતા અથવા બાય રોડ મુસાફરી કરવી પડી હતી. ઢાકાથી મુંબઈ અને કોલકાતા માટેની ફ્લાઇટને લગતી આવી કોઈ જ સમસ્યા નહોતી અને તેઓ સમયસર પાછા આવ્યા હતા. એમાં જાણીતા તીરંદાજોમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન દીપિકા કુમારી, અતાનુ દાસ, રાહુલ બૅનર્જી, પ્રથમેશ ફુગે, સાહિલ જાધવ વગેરેનો સમાવેશ હતો.



