હથુરાસિંઘેની કયા બે ગંભીર કારણસર બાંગ્લાદેશી ટીમના કોચપદેથી હકાલપટ્ટી કરાઈ?

ઢાકા: બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાની ટેસ્ટ ટીમને એની જ ધરતી પર 2-0થી હરાવીને પાકિસ્તાનની નાલેશી કરી, પણ પછી ભારતમાં બાંગ્લાદેશની ટીમ 0-2થી હારી જતાં નજમુલ શૅન્ટો અને તેની ટીમની નામોશી થઈ ત્યાર પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે મહત્ત્વનો નિર્ણય લીધો છે. શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ચંદિકા હથુરાસિંઘેને બે ગંભીર કારણસર હેડ-કોચ તરીકેના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી તાત્કાલિક રીતે લાગુ પડે એ રીતે એ પદ પરથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે અને વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી ફિલ સિમોન્સની તેના સ્થાને નિયુક્તિ કરાઈ છે.
એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલ અનુસાર 56 વર્ષીય હથુરાસિંઘે પર એવો આક્ષેપ છે કે ગયા વર્ષે ભારતમાં યોજાયેલા વન-ડેના વર્લ્ડ કપ દરમ્યાન તેમણે બાંગ્લાદેશના એક ખેલાડીને તમાચો માર્યો હતો. બીજું, હથુરાસિંઘેએ કૉન્ટ્રૅક્ટમાં જણાવાયા કરતાં ઘણી વધુ રજાઓ લીધી હતી.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હથુરાસિંઘેને 48 કલાક માટે સસ્પેન્ડ કર્યા છે. ત્યાર પછી તેમનો કૉન્ટ્રૅક્ટ તાબડતોબ રદ કરી નાખવામાં આવશે.
ક્રિકેટ બોર્ડ આખી ઘટનાની તપાસ કરી રહ્યું છે.
2023ના વન-ડે વર્લ્ડ કપમાં અને આ વર્ષના જૂનમાં ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમનો રકાસ થયો હતો.
હથુરાસિંઘેની નિયુક્તિ 2025ની ચૅમ્પિયન્સ ટ્રોફી સુધી હતી, પણ તેમની હકાલપટ્ટી બાદ હવે સિમોન્સને તેમના સ્થાને એ ટૂર્નામેન્ટ સુધી નીમવામાં આવ્યા છે.