‘અમારા બેટ્સમેનોને ખબર નથી કે 180 રન કેવી રીતે બને’ Bangladeshના કેપ્ટનને આવ્યો ગુસ્સો
દિલ્હી: બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત સામે પછડાટ ખાધા પછી બાંગ્લાદેશની ટીમ પહેલા T20માં શરમજનક રીતે હારી ગઈ. ગ્વાલિયરમાં ભારત સામે રમાયેલી પ્રથમ T20 મેચ (IND vs BAN)માં બાંગ્લાદેશી ટીમને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે બાંગ્લાદેશ 3 મેચની શ્રેણીમાં 0-1થી પાછળ છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ પાવરપ્લેની 6 ઓવરમાં 39 રન જ બનાવી શકી અને આખી ટીમ 127 રનમાં ઓલ આઉટ ગઈ. ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેમાં 71 રન બનાવ્યા ત્યાર બાદ 11.5 ઓવરમાં 128 રનના ટાર્ગેટને સરળતાથી હાંસલ કરી લીધો હતો.
આ હાર બાદ બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ બાંગ્લાદેશના બેટ્સમેનોનો ક્લાસ લીધો હતો. શાંતોએ કહ્યું, ‘અમારા બેટ્સમેન નથી જાણતા કે 180 રન કેવી રીતે બનાવવા.’
મેચ હાર્યા બાદ બાંગ્લાદેશી કેપ્ટન શાંતોએ કહ્યું કે, ‘અમારી પાસે ક્ષમતા છે પરંતુ અમે તે પ્રમાણે રમી શકતા નથી. અમારે ટેકનિક અને માનસિકતા સુધારવાની જરૂર છે. અમે ઘરઆંગણે 140-50 રન થઇ શકે એવી વિકેટ પર રમીએ છીએ. અમારા બેટ્સમેનોને ખબર નથી કે 180 રન કેવી રીતે બનાવાય.’
પાવરપ્લેમાં ખરાબ શરૂઆત અંગે શાંતોએ કહ્યું, ‘પાવરપ્લે ચિંતાનો વિષય છે. અમારે પ્રથમ 6 ઓવરમાં વિકેટ બચાવવી પડશે અને રન પણ બનાવવા પડશે. પાવરપ્લેમાં જે પણ બેટિંગ કરવા જઈ રહ્યું છે તેણે જવાબદારી લેવી પડશે.’
ભારત સામેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશની બેટિંગ ખૂબ જ નબળી રહી હતી. પાવરપ્લેમાં બાંગ્લાદેશી બેટ્સમેન માત્ર 39 રન જ બનાવી શક્યા હતા. જેમાં 2 વિકેટ પણ પડી હતી.
લાંબા સમયથી બાંગ્લાદેશના ઓપનર ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યા છે. છેલ્લી 8 ઇનિંગ્સમાં બાંગ્લાદેશી ઓપનરે 69 રન બનાવ્યા છે જેમાં સૌથી મોટી પાર્ટનરશીપ 35 રનની રહી છે. જે બાંગ્લાદેશ માટે ચિંતાનો વિષય છે.
ભારત સામેની પ્રથમ મેચમાં પણ બાંગ્લાદેશી ઓપનરોનું પ્રદર્શન ખરાબ રહ્યું. માત્ર 5 રનની જ ઓપનીંગ પાર્ટનરશીપ થઇ શકી. લેઈટન દાસે 4 રન બનાવ્યા હતા જ્યારે પરવેઝ હુસૈન ઈમોને 8 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશની ટીમ ભારતના પ્રવાસમાં એક પણ મેચ જીતી શકી નથી. પ્રથમ 2 ટેસ્ટ મેચ હાર્યા બાદ હવે ટી20 પ્રથમ મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
હવ સિરીઝની બીજી મેચ 9 તારીખે દિલ્હીમાં આને ત્રીજી મેચ 12 તારીખે હૈદરાબાદમાં રમાશે. ભારતીય ટીમ T20 સિરીઝમાં પણ બાંગ્લાદેશનો વ્હાઇટવોશ કરવાનો ઈરાદો ધરાવે છે.
Also Read –