શુભમન ગિલે અપમાન કર્યું હોવાનો આક્ષેપ થયો, ધરમશાલાના મેદાન પર બબાલ થઈ ગઈ
ધરમશાલા: ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન અને બંગલાદેશની મૅચ જો ભારત સામે હોય તો એમાં નાની-મોટી બબાલ કે વિવાદ વિના મૅચ પૂરી થાય જ નહીં. એમાં પણ જો મૅચ ભારતની ધરતી પર રમાતી હોય તો વાત જ ન પૂછો. અને બીજું, ભારત જો જીતવાની તૈયારીમાં હોય તો વાત જ ન પૂછો. ભારતીય ખેલાડી સામે કોઈને કોઈ આક્ષેપ થયા વિના કે ભારતીયોની ઉશ્કેરણી થયા વગર રહે જ નહીં.
શનિવાર ત્રીજો દિવસ અંતિમ ટેસ્ટ મૅચનો અને સિરીઝનો આખરી દિવસ બની ગયો હતો. એક દલીલબાજી સાથે એવો વિવાદ થયો જેમાં કુલ છ ખેલાડી સામેલ હતા. વાસ્તવમાં આ સિરીઝમાં ગંભીરપણે સ્લેજિંગ કરાયું હોવાનો પહેલો જ કિસ્સો બન્યો હતો.
વાત એમ છે કે રોહિત શર્મા પીઠના દુખાવાને કારણે શનિવારે ફીલ્ડિંગ માટે મેદાન પર નહોતો ઊતર્યો એટલે વાઇસ-કૅપ્ટન જસપ્રીત બુમરાહે સુકાન સંભાળ્યું હતું. રવિચન્દ્રન અશ્વિને થોડી વિકેટો લઈને મૅચ પર ભારતની પકડ વધુ મજબૂત બનાવી ત્યાર બાદ બુમરાહે એક મોરચે બોલિંગની જવાબદારી પ્રથમ દાવના હીરો કુલદીપ યાદવને સોંપી હતી. ઇંગ્લૅન્ડની ઇનિંગ્સની એ 18મી ઓવર હતી. કુલદીપ એ ઓવરનો પ્રથમ બૉલ ફેંકવાની તૈયારીમાં હતો ત્યારે સ્ટમ્પ માઇકમાં જૉની બેરસ્ટૉ અને સ્લિપમાં ઊભેલા શુભમન ગિલ વચ્ચેની દલીલ સંભળાઈ હતી. ગિલે અગાઉ જેમ્સ ઍન્ડરસન વિશે જે કમેન્ટ કરી હતી એના પર બેરસ્ટૉએ ગિલને કહ્યું, ‘યાદ છેને, મૅચના બીજા દિવસે ઍન્ડરસને તને કેવી રીતે ક્લીન બોલ્ડ કર્યો હતો?’ જોકે ગિલે તરત સામુ સંભળાવી દીધું કે ‘મેં સેન્ચુરી પૂરી કરી એ પહેલાં તો મને આઉટ નહોતો કરી શક્યોને.’
ગિલે બેરસ્ટૉને એવું પણ સંભળાવ્યું કે ‘આ સિરીઝમાં તું જોઈએ એવું નથી રમ્યો, એ તને યાદ છેને?’
એ તબક્કે વિકેટકીપર ધ્રુવ જુરેલે બન્નેને શાંત પડવાની સલાહ આપી હતી. કુલદીપે ઓવરનો પ્રથમ બૉલ ફેંકી દીધો ત્યાર પછી ફૉર્વર્ડ શૉર્ટ લેગ પર ઊભેલો સરફરાઝ ખાન પણ આ વિવાદમાં સામેલ થયો હતો.
જોકે બેરસ્ટૉ માટે આ વિવાદ છેવટે ફાયદામાં નહોતો રહ્યો, કારણકે બેરસ્ટૉની ગિલ સાથે દલીલ થયા પછી ત્રણ જ બૉલ પછી બેરસ્ટૉએ કુલદીપના બૉલમં વિકેટ ગુમાવી દીધી હતી. બેરસ્ટૉ એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો. કુલદીપે પહેલા દાવમાં પણ તેની વિકેટ લીધી હતી. શનિવારે ઇનિંગ્સમાં આઉટ થયા પછી બેરસ્ટૉ ફરી ગિલ સામે કંઈક બોલ્યો હતો અને ગિલે સામો જવાબ આપી દીધો હતો.
પ્રથમ દાવમાં 29 રન બનાવનાર બેરસ્ટૉએ બીજી ઇનિંગ્સમાં થોડી આક્રમક બૅટિંગ કરી હતી અને 30 બૉલમાં ત્રણ સિક્સર તથા ત્રણ ફોરની મદદથી 39 રન બનાવ્યા હતા. જોકે અશ્વિનની બોલિંગમાં ફટકાબાજી કરનાર બેરસ્ટૉ કુલદીપના બૉલમાં આઉટ થઈ ગયો હતો.
જાણો, શું દલીલબાજી થઈ
બેરસ્ટૉ: જોયું, તેં ઍન્ડરસનને તેની સંભવિત નિવૃત્તિ વિશે અને થોડા સમય પહેલાં ટીમમાંથી તેને ટ્રૉપ કરાયો હતો એનું શું પરિણામ આવ્યું? તેના જ બૉલમાં આઉટ થઈ ગયોને?
ગિલ: તો શું થઈ ગયું! મેં સેન્ચુરી પૂરી કરી એ પછી તે મને આઉટ કરી શક્યો, એ પણ તેં જોયું જ હશે. તેં ભારતમાં આવ્યા પછી કેટલા રન બનાવ્યા એ તો જણાવ.
બેરસ્ટૉ: બૉલ સ્વિંગ થતો હતો ત્યારે તું કેટલા રન બનાવી શક્યો એ તો જણાવ.
જુરેલ: જૉનીભાઈ, ઇઝી.
સરફરાઝ: થોડે સે રન ક્યા બના દિયા, જ્યાદા ઉછલ રહા હૈ.