પાકિસ્તાનના સુકાનીની વોટ્સએપ ચેટ લીક થઈ, ને ભડક્યો આ ક્રિકેટર

ઇસ્લામાબાદઃ વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમનું પ્રદર્શન નિરંતર ખરાબ થઈ રહ્યું છે, જેમાં છમાંથી ચાર મેચમાં હાર્યા પછી પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે, તેથી પાકિસ્તાનના સુકાની બાબર આઝમ પર સવાલો ઊભા થયા છે, ત્યારે બાબર આઝમની વોટ્સ એપ ચેટ લીક થવાથી નવો વિવાદ ઊભો થયો છે. આ વિવાદમાં ભૂતપૂર્વ ક્રિકેટરે પણ ઝંપલાવ્યું છે.
આ વિવાદની વચ્ચે પાકિસ્તાનના ખેલાડીઓને સેલેરી મળી નથી, જ્યારે પાકિસ્તાનની ટીમનું પણ ખરાબ પ્રદર્શન છે. હવે આ મુદ્દે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસ ભડકી ગયો છે અને બાબર આઝમને સપોર્ટ આપીને ટીમના મેનેજમેન્ટને સવાલ પૂછ્યા છે કે લોકો શું કરવા માગો છો? વાસ્તવમાં આ દયનીય હાલત છે. તમે લોકો ખુશ થઈ ગયા. તમે લોકો બાબર આજમને એકલો છોડી દો. તે પાકિસ્તાનની સંપત્તિ છે.
વન-ડે વર્લ્ડકપમાં અત્યાર સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન સારુ રહ્યું નથી. પાકિસ્તાનની એક ટીવી ચેનલે દાવો કર્યો હતો કે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમની પ્રાઇવેટ વોટ્સએપ ચેટ લીક થઈ ગઈ છે. આ દાવા અનુસાર પાકિસ્તાન પુરૂષ ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીના સીઓઓ સલમાન નાસિર સાથે વાત કરી હતી. હવે પીસીબીએ આ મામલે પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
પીસીબીનું કહેવું છે કે પાકિસ્તાની ટીવી ચેનલ અને કેટલાક પત્રકારો દ્વારા કરવામાં આવેલા આ દાવા ખોટા છે. બાબર આઝમની લીક થયેલી વોટ્સએપ ચેટ નકલી અને બનાવટી છે.
પીસીબીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને પીસીબીના સીઓઓ સલમાન નાસિર વચ્ચે લીક થયેલી વોટ્સએપ ચેટ સંપૂર્ણપણે નકલી અને બનાવટી છે. તેનો ઉપયોગ કેટલાક તોફાની લોકોએ તેમના ખરાબ ઈરાદા પુરા કરવા કર્યો છે. આઝમની વોટ્સએપ ચેટ લીક કરવાનો દાવો કરનાર પાકિસ્તાની ન્યૂઝ ચેનલ અને પત્રકારો અંગે પીસીબીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમને પાકિસ્તાનની આ ચેનલ અને પત્રકારો સાથે કોઈ લેવાદેવા નથી અને પીસીબીના અધ્યક્ષ ઝકા અશરફને બાબર આઝમ સાથે કોઈ લેવાદેવા નથી.
અશરફ અને સલમાન સાથે કોઈ વ્હોટ્સએપ વાતચીત થઇ નથી. પીસીબીએ લોકોને અપીલ કરી હતી કે આ ખોટી અફવાઓને નજરઅંદાજ કરો અને વર્લ્ડ કપ રમવા ભારત ગયેલી પાકિસ્તાની ટીમ અને કેપ્ટન બાબર આઝમને સપોર્ટ કરો.