બાબર સ્પિન સામે રમવામાં નબળોઃ રિઝવાનને પણ ટીમમાં સામેલ ન કરાયો

કરાચીઃ પાકિસ્તાને યુએઇ અને અફઘાનિસ્તાન સામે 29મી ઑગસ્ટથી રમાનારી ટી-20ની ટ્રાય-સિરીઝ માટે તેમ જ નવમી સપ્ટેમ્બરે શરૂ થનારા ટી-20ના એશિયા કપ માટે 17 ખેલાડીની સંયુક્ત ટીમની રવિવારે જાહેરાત કરી હતી જેમાં બે ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમ (Babar Azam) અને મોહમ્મદ રિઝવાન (Rizwan)ને નથી સમાવવામાં આવ્યા. સ્પિન બોલિંગ સામે રમવામાં બાબરની જે નબળાઈ છે તેમ જ તેનો સ્ટ્રાઇક-રેટ જે રીતે નબળો રહે છે એમાં સુધારો લાવવાનું તેને કહેવામાં આવ્યું છે અને આ બે નબળાઈને લીધે જ તેને આગામી બે સ્પર્ધામાં નહીં રમવા મળે.
સલમાન આગાને પાકિસ્તાની ટીમની કૅપ્ટન્સી સોંપાઈ છે. ઓપનર ફખર ઝમાન ઈજામુક્ત થયો હોવાથી તેને ટીમમાં સમાવવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર નસીમ શાહ કૅરિબિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો હોવાથી તે પાકિસ્તાન (Pakistan)ની ટીમમાં નથી.
આપણ વાંચો: કૅપ્ટન વિનાની પાકિસ્તાનની ટીમની જાહેરાત: જાણી લો, કોને કઈ ટીમમાં નથી સમાવાયા…
બાબર અને રિઝવાન પાકિસ્તાન વતી ટી-20 છેલ્લે ડિસેમ્બર, 2024માં રમ્યા હતા. ટી-20માં બાબરનો માત્ર 129.22નો અને રિઝવાનનો ફક્ત 125.37નો સ્ટ્રાઇક-રેટ છે.
પાકિસ્તાનની ટીમઃ સલમાન આગા (કૅપ્ટન), મોહમ્મદ હારિસ (વિકેટકીપર), ફખર ઝમાન, અબ્રાર અહમદ, ફહીમ અશરફ, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વાસિમ, સાહિબઝાદા ફરહાન, સઈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી અને સુફિયાન મુકીમ.