શું બાબર આઝમે પહલગામ હુમલાના મુદ્દે પાકિસ્તાન આર્મીને વખોડી? પોસ્ટ વાઇરલ થઈ છે…

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમે (BABAR AZAM) કાશ્મીરના પહલગામ હત્યાકાંડના મુદ્દે પાકિસ્તાન લશ્કર (PAKISTAN ARMY)ને ખૂબ વખોડી હોવાની કથિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ (VIRAL) થઈ છે. આ બાબતમાં હકીકત શું છે એની આપણે પછીથી ચર્ચા કરીશું, પરંતુ એ પહેલાં થોડું બૅકગ્રાઉન્ડ જાણી લઈએ.
પહલગામમાં મિની સ્વિટ્ઝરલૅન્ડ તરીકે ઓળખાતા વિશ્વવિખ્યાત પર્યટન સ્થળે બાવીસમી એપ્રિલે પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ હિન્દુ સહેલાણીઓને લક્ષ્યાંક બનાવવાના હેતુથી જે હુમલો કર્યો અને 28 લોકોની હત્યા કરી એ બનાવ વિશે બૅટ્સમૅન બાબર આઝમે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં પાકિસ્તાન આર્મીની ખૂબ ટીકા કરી હોવાનું મનાય છે.
આપણ વાંચો: પહલગામ હત્યાકાંડ બાદ ભારતને લક્ષ્ય બનાવતા
ભારતમાં બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહીન શાહ આફ્રિદી, શોએબ અખ્તર સહિત પાકિસ્તાની ક્રિકેટરોના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બ્લૉક કરી નાખવામાં આવ્યા એના એક દિવસ બાદ બાબરની આ પોસ્ટ વિશેની વાત બહાર આવી છે.
બાબરની પોસ્ટમાં આ મુજબ લખાયું છેઃ ` ક્રિકેટર તરીકે મને ભારતમાં રમવાનું હંમેશાં ગમ્યું છે અને હું ભારતને સેક્નડ-હોમ ગણું છું. જોકે ભારતમાં મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બ્લૉક કરાયું એને હું કમનસીબી ગણું છું.
હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે પહલગામના હુમલામાં ક્રિકેટરોની કોઈ પણ રીતે ભૂમિકા નથી. જે કંઈ બન્યું છે એ પાકિસ્તાન લશ્કરની મેલી રમતનું પરિણામ છે. હું કોઈના નામ નહીં લઉં, પણ દરેક જણ સારી રીતે જાણે છે કે પાકિસ્તાનમાં ખરેખર સત્તા કોના હાથમાં છે અને આતંકવાદને કોણ રક્ષણ આપી રહ્યું છે અને સપોર્ટ કરી રહ્યું છે.
પાકિસ્તાની લશ્કરને કહી દઉં છું કે તમે જે કંઈ કરો છો એનું પરિણામ નિર્દોષ પાકિસ્તાનીઓએ ભોગવવું પડી રહ્યું છે. આતંકવાદને પોષવાનું બંધ કરો. પાકિસ્તાન ઝિંદાબાદ.’
શું બાબરે ખરેખર પોસ્ટમાં આવું લખ્યું?:
ભારત પરના હુમલાની વાત હોય અને એના વિશે કોઈ પાકિસ્તાની ખેલાડીની ટિપ્પણી હોય તો પછી કહેવું જ શું! ભારત-પાકિસ્તાન સરહદ પર ભારેલો અગ્નિ છે અને એવામાં બાબર આઝમ ખુદ પોતાના દેશના જ લશ્કરને વખોડી એ તો મોટી નવાઈ જ કહેવાય. બાબર આઝમની પોસ્ટ જંગલમાં આગ ફેલાય એમ જોત જોતામાં વાઇરલ થઈ ગઈ છે.
જોકે ભારતમાં બાબરનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બ્લૉક થઈ ગયું હોવાથી ખુદ બાબરે આ પોસ્ટ મોકલી છે કે કેમ એની સચોટતા જાણી નથી શકાઈ. જોકે કેટલાક યુઝર્સે સમર્થન આપતા જણાવ્યું છે કે આ પોસ્ટ બનાવટી છે.
આ પોસ્ટની વિગતોમાં બાબર ખુલ્લેઆમ પાકિસ્તાની લશ્કરને વખોડે છે એ વાત ગળે ઉતરે એવી નથી. કારણ એ છે કે જો બાબર પોતાના જ દેશના લશ્કરને આ રીતે વખોડે તો તે મોટી મુશ્કેલીમાં આવી શકે.
આપણ વાંચો: પહેલગામમાં આતંકી હુમલા કેસમાં એનઆઈએ કર્યો આ મોટો ખુલાસો
ક્રિકેટ સંબંધો વધુ બગડ્યા, ગાંગુલીની ટકોરાબંધ ટિપ્પણી:
ભારત-પાકિસ્તાન વચ્ચે 2008ના મુંબઈ ટેરર-અટૅકને પગલે દ્વિપક્ષી ક્રિકેટ સંબંધો બગડી જ ગયા હતા ત્યાં હવે પહલગામ (PAHALGAM) હુમલાને પગલે ભારતે વધુ સખત વલણ અપનાવ્યું છે અને આઇસીસીને કહી દીધું છે કે કોઈ પણ આઇસીસી ઇવેન્ટના લીગ રાઉન્ડમાં ભારત-પાકિસ્તાન સામસામે આવે એવી કોઈ પણ મૅચ નહીં રાખતા.
એશિયા કપ અને આઇસીસી ઇવેન્ટના નૉકઆઉટ રાઉન્ડમાં જો હવે પછી ભારત-પાકિસ્તાનની ટીમ સામસામે આવશે ત્યારે કેવો અભિગમ હશે એ જોવું રહ્યું. જોકે સૌરવ ગાંગુલી સહિત અનેક ક્રિકેટરોએ પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના સંબંધો તોડી નાખવાની સરકારને હિમાયત કરી છે.
ગાંગુલીએ કોલકાતામાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે `પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના સંબંધો તોડી જ નાખવા જોઈએ. હું આ બાબત સાથે 100 ટકા સહમત છું. કડકમાં કડક પગલું જરૂરી છે. આ કોઈ મજાકની વાત નથી. આવી ઘટના દર વર્ષે બનતી રહે છે. આતંકવાદ જરાય સાંખી ન લેવાય.’



