સ્પોર્ટસ

એશિઝ દરમિયાન ઓસ્ટ્રેલિયાના આ ધૂરંધર ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરીને ચોંકાવ્યા

સિડનીઃ એશિઝ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ સંન્યાસની જાહેરાત કરીને ચોંકાવી દીધા છે. સિડનીમાં રમાનારી પાંચમી મેચ તેના કરિયરની અંતિમ ટેસ્ટ મેચ હશે. એમસીજીમાં આયોજિત પ્રેસ કોન્ફન્સમાં તેણે સંન્યાસની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેના માતા-પિતા, પત્ની અને બાળકો પણ હાજર હતા.

ખ્વાજાએ જણાવ્યું કે, તેણે આ નિર્ણય સાથી ખેલાડીઓને ટ્રેનિંગ પહેલા જ જણાવ્યો હતો. વાત કરતી વખતે હું રડી પડ્યો હતો. મારા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરવું ગૌરવની ક્ષણ છે.

ઉસ્માન ખ્વાજાની 15 વર્ષથી વધારે લાંબી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા હતા. 2011માં ટેસ્ટ ડેબ્યૂ કરનારા ખ્વાજાને અનેક વખત ટીમમાંથી બહાર કરાયો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ઈતિહાસમાં તેની સૌથી વધુ વખત ડ્રોપ થયેલા ખેલાડીમાં ગણના થયા છે. તેણે ખુદ કહ્યું કે, મારી કરિયર અન્ય ખેલાડીઓથી અલગ રહી હતી. ખૂબ ભાવનાઓ હતી, જે આજે બહાર આવી છે.

પાકિસ્તાનથી સિડની સુધીની કહાની

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં જન્મેલા ઉસ્માન ખ્વાજા બાળપણમાં પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા આવી ગયો હતો. સિડનીમાં ઉછરેલા ખ્વાજાએ SCG (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ) માં મેચ જોતા જોતા ક્રિકેટર બનવાના સપના જોયા હતા અને બાદમાં અહીં જ પોતાનું ફર્સ્ટ ક્લાસ અને ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. એક ભાવુક ક્ષણે તેમણે કહ્યું હતું કે, હું પાકિસ્તાનથી આવેલો એક ગૌરવશાળી ‘કલર્ડ’ મુસ્લિમ છોકરો છું, જેને કહેવામાં આવ્યું હતું કે તે ક્યારેય ઓસ્ટ્રેલિયા માટે નહીં રમી શકે, અને આજે હું અહીં છું.

મેદાનની બહાર પણ મજબૂત અવાજ

ખ્વાજા માત્ર રન બનાવનાર બેટ્સમેન જ નહીં, પરંતુ મેદાનની બહાર પણ તેમણે ઊંડી છાપ છોડી છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ મુસ્લિમ ટેસ્ટ ક્રિકેટર તરીકે તેમણે રંગભેદ સામે ખુલીને અવાજ ઉઠાવ્યો હતો અને દક્ષિણ એશિયાઈ મૂળના ખેલાડીઓ માટે વધુ સારી તકોની હિમાયત કરી હતી.

વારંવાર ટીમની બહાર, પછી શાનદાર વાપસી

2011 થી 2015 વચ્ચે ખ્વાજા માત્ર આઠ ટેસ્ટ રમી શક્યો હતો. શ્રીલંકા, ભારત, બાંગ્લાદેશ અને એશિઝ પ્રવાસ દરમિયાન તેમને વારંવાર ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. એક સમયે તેમની ટેસ્ટ એવરેજ ઘટીને 25ની આસપાસ પહોંચી ગઈ હતી, પરંતુ 2015-16ની ડોમેસ્ટિક સીઝનમાં ચાર સદી ફટકારીને તેમણે જોરદાર વાપસી કરી હતી. 2018માં પાકિસ્તાન સામે દુબઈ ટેસ્ટમાં 141 રનની નવ કલાક લાંબી ઈનિંગે તેમને ફરી સાબિત કરી દીધા હતા.

સેન્ડપેપર વિવાદ બાદ જવાબદારી

સેન્ડપેપર કાંડ બાદ દુબઈમાં પાકિસ્તાન સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ખ્વાજાએ સિનિયર બેટ્સમેનની ભૂમિકા ભજવી હતી. તેમની 85 અને 141 રનની ઈનિંગ્સ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે સંજીવની સમાન સાબિત થઈ હતી.

એશિઝમાં સુવર્ણકાળ

2021-22ની એશિઝમાં SCG પર ફટકારેલી બે સદીઓએ તેમની કારકિર્દીને નવી દિશા આપી હતી. ડેવિડ વોર્નર સાથે ઓપનિંગ કરતા તેઓ ઓસ્ટ્રેલિયાની બેટિંગની કરોડરજ્જુ બની ગયો હતો. 2023ની એશિઝમાં એજબેસ્ટન ખાતે 141 અને 65 રનની ઈનિંગ્સ તેમની કારકિર્દીની સૌથી યાદગાર સિદ્ધિઓમાં ગણાય છે.

કરિયર

ઉસ્માન ખ્વાજાએ અત્યાર સુધીમાં 87 ટેસ્ટમાં 42.39ની સરેરાશથી 6206 રન બનાવ્યા છે. તેણે 16 સદી અને 28 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 232 રન છે. 40 વન ડેમાં તેણે 42ની સરેરાશથી 1554 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને 12 અડધી સદી સામેલ છે. જ્યારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20ની 9 મેચમાં 241 રન બનાવ્યા છે.

આ પણ વાંચો…શાહરૂખ ખાન નિશાના પર: બાંગ્લાદેશી ખેલાડીની ખરીદી મુદ્દે દેશભરમાં ભારે વિરોધ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button