ગુનેગારો પાસેથી પુષ્કળ પૈસા મળતાં બે ફૂટબોલરે યલો કાર્ડનું મૅચ-ફિક્સિંગ કર્યું…

સિડનીઃ ઑસ્ટ્રેલિયામાં બે પ્રોફેશનલ ફૂટબૉલ ખેલાડીઓએ પૈસા કમાવાના હેતુથી મૅચ દરમ્યાન રેફરીના હાથે જાણી જોઈને યલો કાર્ડ મેળવીને ફૂટબૉલ (Football)માં અનોખું મૅચ-ફિક્સિંગ (match fixing) કર્યું હોવાની સિડની કોર્ટ સમક્ષ કબૂલાત કરી છે. આ ખેલાડીઓને ગુનેગારો પાસેથી આ કૃત્ય માટે ખૂબ પૈસા મળ્યા હતા.
ઑસ્ટ્રેલિયામાં એ-લીગ ચૅમ્પિયનશિપ ખૂબ લોકપ્રિય છે અને એમાં આ ફિક્સિંગ થયું હતું. આ કિસ્સામાં મૅકાર્થર બુલ્સ ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન ઉલિસીસ ડૅવિલા બે ફિક્સર ખેલાડી વચ્ચે મધ્યસ્થી હતો. મે, 2024માં ડૅવિલા તેમ જ બે પ્લેયર કીઅરીન બૅકસ (Baccus) તથા ક્લેટન લુઇસ (Clayton Lewis) વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બન્ને મિડફીલ્ડર ખેલાડીઓ (બૅકસ અને લુઇસ)એ 2023 તથા 2024ના વર્ષની અમુક ખાસ મૅચોમાં ફિક્સિંગ કર્યું હતું
જેમાં તેમણે રમતી વખતે (હરીફ ખેલાડીને જાણી જોઈને લાત મારવા સહિતના) ફૂટબૉલને લગતા ગુના કર્યા હતા જેને પરિણામે રેફરીએ તેમને યલો કાર્ડ બતાવવું પડ્યું હતું. ઇરાદાપૂર્વકના આ અફેન્સને પગલે ખેલાડીઓને આ યલો કાર્ડ બતાવવામાં આવતાં મૅચના પરિણામ પર અસર પડી હતી.
33 વર્ષનો ડૅવિલા (Devila) બન્ને ખેલાડી અને કોલમ્બિયા સ્થિત ગુનાખોરી (criminals) સાથે સંકળાયેલા જૂથ વચ્ચે કડી બન્યો હતો. કોલમ્બિયાના એ ગુનેગારોના જૂથની સૂચના મુજબ બન્ને ખેલાડીઓએ પૈસાના બદલામાં અમુક મૅચોમાં જાણી જોઈને એવા અફેન્સ કર્યા હતા જેને લીધે તેમને યલો કાર્ડ બતાવવામાં આવ્યા હતા.
બેમાંથી એક ખેલાડી (બૅકસ) 33 વર્ષનો અને લુઇસ 27 વર્ષનો છે. તેમને મધ્યસ્થી બનેલા ડૅવિલા તરફથી 10,000 ઑસ્ટ્રેલિયન ડૉલર (5,62,000 રૂપિયા) મળ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે મૅ-િફિક્સિંગ સાથે સંકળાયેલા આ સટ્ટામાં હજારો ડૉલરની લેવડ-દેવડ થઈ હતી.
બન્ને ખેલાડીને શું સજા કરવી એ સપ્ટેમ્બરમાં નક્કી કરાશે. ડૅવિલા વિરુદ્ધ કુલ નવ ગુના નોંધાયા છે અને તેની સુનાવણી આવતા મહિને નક્કી કરાઈ છે. ડૅવિલાની થોડા મહિના પહેલાં ધરપકડ કરાઈ ત્યાર બાદ મૅકાર્થર બુલ્સે તેની સાથેનો કરાર રદ કરી નાખ્યો છે. બૅકસને બુલ્સ ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને લુઇસને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.