એશિઝ 2025: પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સના રમવા પર શંકા, ઇજાને કારણે ટીમને મોટો ઝટકો

સિડની: આગામી મહિને ઈંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ ટીમના કેપ્ટન અને ફાસ્ટ બોલર પેટ કમિન્સના રમવા પર આશંકા સેવાઈ રહી છે. મીડિયા સાથે વાત કરતા કમિન્સે કહ્યું હતું કે તે સંપૂર્ણપણે ફિટ નથી અને તેના રમવાની શક્યતા ખૂબ ઓછી છે. હું ખાતરીપૂર્વક કંઈ કહી શકતો નથી પરંતુ હું કહીશ કે તે ઓછામાં ઓછું અશક્ય છે. મારી પાસે હજુ થોડો સમય છે
કમિન્સ છેલ્લા કેટલાક મહિનાઓથી પીઠની ઇજાથી સંઘર્ષ કરી રહ્યો છે જેના કારણે તે ત્રણ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. આ ઇજાને ગંભીર માનવામાં આવે છે અને હવે એવી અટકળો ચાલી રહી છે કે કમિન્સ ફક્ત પહેલી મેચ જ નહીં પરંતુ પહેલી બે એશિઝ મેચ પણ ગુમાવી શકે છે. જોકે, કેપ્ટને એમ પણ કહ્યું કે રિકવરી પ્રક્રિયા અપેક્ષા કરતાં વધુ સારી રીતે ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, “મેં તાજેતરમાં જ જીમમાં હળવી કસરતો શરૂ કરી છે.”
કમિન્સે જણાવ્યું હતું કે તે આવતા અઠવાડિયે હળવી બોલિંગ શરૂ કરશે. મને લાગે છે કે આવતા અઠવાડિયે હું બોલિંગની તૈયારી કરીશ. મેચ ફિટનેસ પાછી મેળવવામાં મને કદાચ થોડા વધુ અઠવાડિયા લાગશે. ત્યારે જ હું ખરેખર બોલિંગ કરીશ.” ટીમ મેનેજમેન્ટ હાલમાં કમિન્સની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા પાસે મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને સ્કોટ બોલેન્ડ જેવા વિકલ્પો છે પરંતુ કમિન્સની ગેરહાજરી ટીમના સંતુલનને અસર કરી શકે છે.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની એશિઝ શ્રેણી 21 નવેમ્બરથી પર્થમાં શરૂ થશે. બીજી ડે-નાઇટ ટેસ્ટ 4 ડિસેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે. શ્રેણીની બાકીની મેચો એડિલેડ, મેલબોર્ન અને સિડનીમાં રમાશે. કમિન્સ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનો મુખ્ય આધારસ્તંભ છે, ખાસ કરીને બોલિંગ લીડર અને કેપ્ટન બંને ભૂમિકાઓ નિભાવે છે. આગામી અઠવાડિયામાં તેની ફિટનેસ અંગે મોટો નિર્ણય લેવામાં આવશે, જે સમગ્ર એશિઝ શ્રેણીના સંતુલનને અસર કરી શકે છે.
આ પણ વાંચો…ભારતને હરાવવાની કઈ ‘રણનીતિ’ સફળ થઈ? ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલીએ કર્યો ખુલાસો