સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયન ક્રિકેટરને 12મી વખત માથામાં થઈ ઈજા, ફરી મોટી ઘાતમાંથી બચી ગયો

બ્રિસ્બેન: ક્રિકેટમાં આજકાલ માથામાં ઈજા થવાના બનાવો વધી રહ્યા છે. જેમ બૅટર આક્રમક બૅટિંગથી ફટકાબાજી કરે એમાં તો કોઈને ઈજા થવાની સંભાવના ખાસ કંઈ હોતી નથી, પરંતુ ફાસ્ટ બોલર ઉગ્ર માનસિકતાથી બોલિંગ કરે એમાં બૅટરનું આવી બને છે. તેના બાઉન્સરમાં જો ક્ષણભર માટે પણ નજર ચૂકી જાય તો તેનું માથું નિશાન બની જાય છે. પછી ભલે તેણે હેલ્મેટ પહેરી હોય કે ન પહેરી હોય.

ઑસ્ટ્રેલિયાનો પચીસ વર્ષનો ટૉપ-ઑર્ડરવિલ પુકૉવ્સ્કી માંડ એક ટેસ્ટ રમ્યો છે ત્યાં તેને માથામાં સમયાંતરે ઈજા થતી ગઈ અને ઘરે બેસી રહેવું પડ્યું. એ એકમાત્ર ટેસ્ટ રમ્યાને ત્રણ વર્ષ થઈ, ગયા છે અને ડોમેસ્ટિક મૅચોમાં પણ રમવા મેદાન પર ઉતરે તો તેને માથામાં બૉલ વાગવાની સંભાવના વધી જતી હોય છે. તમે નહીં માનો, પણ પુકૉવ્સ્કીને એક કે બે વાર નહીં, પણ 12 વખત માથામાં બૉલ વાગી ચૂક્યો છે.


રવિવારે તેણે હજી તો વિક્ટોરિયા વતી રમવાની મનોમન તૈયારી કરી લીધી હતી ત્યાં સોમવારે તેને ડેવિડ ગ્રાન્ટ નામના પેસ બોલરના બૉલમાં હૂક શૉટ મારવા જતાં હેલ્મેટ પર બૉલ વાગ્યો હતો.


ક્રિકેટમાં બૅટરને માથામાં બૉલ વાગે તો એ ઈજાને કંકશન તરીકે ઓળખાવવામાં આવે છે. સદનસીબે, સોમવારની પુકૉવ્સ્કીની ઈજા ગંભીર નહોતી અને તેને ફરી બૅટિંગ શરૂ કરવા ડૉક્ટરે લીલી ઝંડી આપી છે.

પુકૉવ્સ્કીએ 2021માં ભારત સામે રમીને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. એ મૅચમાં તેનો ખભો ડિસલૉકેટ થઈ ગયો હતો. અહીં ખાસ કહેવાનું કે ત્રણ વર્ષ પહેલાંની એ ટેસ્ટમાં તે ઓપનિંગમાં ડેવિડ વૉર્નર સાથે રમ્યો હતો અને તેણે પ્રથમ દાવમાં 62 રન અને બીજા દાવમાં 10 રન બનાવ્યા હતા. હવે વૉર્નર ટેસ્ટમાંથી નિવૃત્તિ થઈ ગયો છે ત્યારે સ્ટીવ સ્મિથ તેના બદલે દાવની શરૂઆત કરે છે.


જો મોકો મળશે તો પુકૉવ્સ્કીને ફરી ટેસ્ટમાં ઇનિંગ્સની શરૂઆત કરવાની તક મળી શકે. હા, તેણે માથાની ઈજાથી બચવાની પ્રૅક્ટિસ ખાસ કરવી પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button