શ્રીલંકાની સૌથી મોટા માર્જિનથી હાર, ઑસ્ટ્રેલિયા સિરીઝમાં 1-0થી આગળ
ગૉલઃ ઑસ્ટ્રેલિયાએ અહીં સિરીઝની પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને આજે ચોથા દિવસે એક ઇનિંગ્સ અને 242 રનથી હરાવીને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. ટેસ્ટ-ક્રિકેટમાં શ્રીલંકાની આ સૌથી મોટા માર્જિનવાળી હાર છે. આ પહેલાં શ્રીલંકાનો સૌથી મોટો પરાજય એક દાવ અને 239 રનથી થયો હતો અને એ મૅચ 2017માં નાગપુરમાં ભારત સામે રમાઈ હતી.
સ્ટીવ સ્મિથના સુકાનમાં ઑસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં છ વિકેટે 654 રનના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો ત્યાર બાદ શ્રીલંકાની ટીમ 165 રનમાં આઉટ થઈ ગઈ હતી અને આજે બીજા દાવમાં યજમાન શ્રીલંકનોનો બીજો દાવ 247 રનના સ્કોર પર સમેટાઈ જતાં ઑસ્ટ્રેલિયાએ યાદગાર વિજય મેળવ્યો હતો.
આપણ વાંચો: પાકિસ્તાનને ફટકોઃ ઘરઆંગણે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યું
પ્રથમ ઇનિંગ્સમાં 503 મિનિટ (આઠ કલાકથી પણ વધુ સમય સુધી) ક્રીઝમાં રહીને 352 બૉલમાં 232 રન બનાવનાર ઓપનર ઉસમાન ખ્વાજાને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
લેફ્ટ-આર્મ સ્પિનર મૅથ્યૂ કુહનેમને મૅચમાં સૌથી વધુ કુલ નવ વિકેટ અને બીજા સ્પિનર નૅથન લાયને કુલ સાત વિકેટ લીધી હતી. એ રીતે, આખી મૅચમાં બન્ને સ્પિનરે કુલ મળીને 16 વિકેટ લીધી હતી.