
નવી દિલ્હીઃ ગઈકાલે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચમાં ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડબ્રેક માર્જિનથી જિત હાંસિલ કરી હતી. પરંતુ તમે એક વાત નોટિસ કરી ગઈકાલે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બ્લેક પટ્ટી પહેરીને રમવા માટે ઉતર્યા હતા. આવો જોઈએ આ પાછળનું કારણ-
વાત જાણે એમ છે કે ઓસ્ટ્રેલિયાના ખેલાડી ફવાદ અહેમદના 4 મહિનાના દીકરાનું મૃત્યુ થયું હતુ અને આ સમાચાર મળતાં જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સના ડ્રેસિંગ રૂમમાં શોકની લાગણી ફરી વળી હતી. ફવાદે ખુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ સમાચાર ફેન્સ સાથે શેર કર્યા હતા. આ નવજાત બાળકના મૃત્યુ બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ શ્રદ્ધાંજલિ આપવા માટે બાજુ પર કાળી પટ્ટી બાંધીને મેચ રમવા માટે મેદાન પર ઉતર્યા હતા.
ફવાદ અહેમદે તેના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ‘દુઃખની સાથે જણાવવાનું કે ચાર મહિનાની લાંબી લડાઈ બાદ આખરે મારો 4 મહિનાનો દીકરો મૃત્યુ સામેની લડાઈ હારી ગયો હતો. હું માનું છું કે મારો પુત્ર વધુ સારી જગ્યાએ ગયો છે, અમે તને ખૂબ જ યાદ કરીશું, હું આશા રાખું છું કે આ પીડામાંથી ક્યારેય કોઈ પસાર ન થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન ટીમમાં ફવાદ અહેમદ લેગ સ્પિનર તરીકે જોડાયો હતો અને તે ઓસ્ટ્રેલિયા માટે 3 વન-ડે અને 2 T20 મેચ રમી ચૂક્યો છે. તે મૂળરૂપથી પાકિસ્તાનનો રહેવાસી છે. વર્ષ 2010માં તે ઓસ્ટ્રેલિયા આવી ગયો હતો. તેણે વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કર્યો હતો.