પહેલી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 17 રનથી હરાવ્યું…

ડાર્વિનઃ પ્રથમ ટી-20 મેચમાં સાઉથ આફ્રિકાને ઓસ્ટ્રેલિયાએ 17 રનથી હરાવ્યું હતું. હાલમાં બંન્ને દેશો વચ્ચે ત્રણ ટી-20 મેચની સીરિઝ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટિમ ડેવિડે શાનદાર અડધી સદી ફટકારી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકા માટે 19 વર્ષીય ક્વેના મ્ફાકાએ 4 વિકેટ લીધી હતી.
તે આફ્રિકા માટે ટી-20 ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે 4 વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર બન્યો છે. જોકે, આ મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

પહેલા બેટિંગ કરવા આવેલા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડે અનુક્રમે 13 અને 2 રન કર્યા હતા. બાદમાં જોશ ઇંગ્લિસ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તે પહેલા જ બોલ પર ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. ચોથા નંબર પર કેમરૂન ગ્રીને 13 બોલમાં 35 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
તે પોતાની અડધી સદી પૂરી કરી શક્યો નહોતો. આ પછી ટિમ ડેવિડે જવાબદારી સંભાળી અને 52 બોલમાં 83 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 178 રન કર્યા હતા.
લક્ષ્યનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાની શરૂઆત પણ ખરાબ રહી હતી. ઓપનર એડન માર્કરામ 12 રન પર પેવેલિયન પાછો ફર્યો હતો. રિયાન રિકેલ્ટન 55 બોલમાં 71 રન કર્યા હતા. ઉપરાંત ડેવાલ્ડ બ્રેવિસે 6 બોલમાં 2 રન કર્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સે 27 બોલમાં 37 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આફ્રિકા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 161 રન કરી શક્યું હતું.
આ પણ વાંચો…IML: યુવરાજ સિંહે 7 છગ્ગા ફટકારી ધમાકેદાર ઇનિંગ રમી; ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું