IND vs AUS 1st T20I: કેનબેરાની પીચ કેવી રહેશે? જુઓ સ્ટેડિયમના આંકડા અને હેડ ટુ હેડ રેકોર્ડ...
સ્પોર્ટસ

IND vs AUS 1st T20I: કેનબેરાની પીચ કેવી રહેશે? જુઓ સ્ટેડિયમના આંકડા અને હેડ ટુ હેડ રેકોર્ડ…

કેનબેરા: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ ODI મેચની સિરીઝ ઓસ્ટ્રેલિયાએ 2-1થી જીતી લીધી, હવે બને દેશોની ટીમો વચ્ચે પાંચ T20 મેચની સિરીઝની આજથી શરૂઆત થવા જઈ રહી છે. આજે કેનબેરાના મનુકા ઓવલ સ્ટેડિયમમાં પહેલી T20I મેચ રમાશે.

સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ ODI સિરીઝમાં મળેલી હારનો બદલો લેવા મેદાને ઉતરશે, જ્યારે ઓસ્ટ્રેલીયા મહેમાન ટીમને ફરી હંફાવવા માટે પ્રયાસ કરશે, આ સિરીઝ રોમાંચક રહે તેવી ક્રિકેટ ચાહકોને આશા છે.

પહેલી T20 મેચ ભારતીય સમય(IST) મુજબ બપોરે 1:45 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ તેના અડધો કલાક પહેલા 1:15 વાગ્યે થશે. ICC મેન્સ T20 રેન્કિંગમાં ભારતીય ટીમ ટોચ પર છે, જ્યારે ઓસ્ટ્રેલીયન ટીમ બીજા ક્રમે છે, બંને ટીમો એક બીજાને મજબુત ટક્કર આપશે. આગામી વર્ષે T20 વર્લ્ડ કપ રમાવવાનો છે, જેને ધ્યાનમાં રાખીને આ સિરીઝ બંને ટીમો માટે ખુબ મહત્વની રહેવાની છે.

કેનબેરાના મનુકા ઓવલ સ્ટેડિયમનો પિચ રિપોર્ટ:

મનુકા ઓવલ સ્ટેડીયમમાં રમાયેલી T20I અને બીગ બેસ લીગ(BBL)ના રેકોર્ડ પર નજર કરીએ તો, આ પીચ પર લો સ્કોરિંગ મેચ જોવા મળી છે. આ પીચ પર સ્પિનર્સે મુખ્ય ભૂમિકા ભજવી છે, અહીં બાઉન્ડ્રી પણ લાંબી છે. T20I માં અહીં એવરેજ સ્કોર 144 રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેપ્ટન સૂર્યકુમાર યાદવ બે કે ત્રણ સ્પિનરોને ટીમમાં સ્થાન આપી શકે છે.

કેનબેરામાં હવામાન કેવું રહેશે?

સ્થાનિક હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ આંજે બુધવારે કેનબેરામાં હવામાન ઠંડુ રહેશે છે, દિવસ દરમિયાન હળવો વરસાદ પડવાની પણ શક્યતા છે. જોકે, સાંજે મેચના સમયે હવામાન સ્વચ્છ રહેશે અને મેચ દરમિયાન વરસાદના વિઘ્નની શક્યતા ઓછી છે.

મનુકા ઓવલ સ્ટેડિયમ આંકડા:

આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 5 T20I મેચ રમાઈ છે, જેમાંથી 2માં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમે જીત મેળવી છે, જ્યારે 2માં રન ચેઝ કરતી ટીમે જીત મેળવી છે, જ્યારે એક મેચનો કોઈ પરિણામ આવ્યું ન હતાં. આ મેદાન પર સૌથી વધુ સ્કોર 178/7 છે, જયારે રન ચેઝ કરતી વખતે સૌથી વધુ સ્કોર – 151/3 છે. આ મેદાનમાં પ્રતિ ઓવર રન એવરેજ 7.87 છે.

IND vs AUS હેડ ટુ હેડ:

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 32 T20I મેચ રમાઈ છે, જેમાં ભારતે 20 અને ઓસ્ટ્રેલિયાએ 11 મેચ જીતી છે. નોંધનીય છે કે વર્ષ 2008 થી ઓસ્ટ્રેલિયન ટીમ ઘરઆંગણે ભારત સામે એક પણ T20I સિરીઝ જીતી શકી નથી.

આ પણ વાંચો…કૅનબેરામાં બુધવારે કશમકશઃ વર્લ્ડ નંબર-વન વિરુદ્ધ વર્લ્ડ નંબર-ટૂ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button