વિરાટને બે યાદગાર ટેસ્ટ સેન્ચુરી બાદ વન-ડેમાં પર્થ સ્ટેડિયમ ન ફળ્યું…

પર્થ શહેરમાં 42 વર્ષે પહેલી વાર વરસાદને લીધે વન-ડે ટૂંકાવવી પડી
પર્થઃ ભારતના બે બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી (0) અને રોહિત શર્મા (આઠ રન) સાત મહિને પાછા આંતરરાષ્ટ્રીય મૅચ રમવા મેદાન પર ઊતર્યા, પર્થ (Perth)ના ઑપ્ટસ સ્ટેડિયમમાં કુલ 42,423 પ્રેક્ષકો આ મૅચ જોવા આવ્યા હતા જેમાંના અસંખ્ય લોકોને રો-કો (રોહિત-કોહલી)ની ધમાકેદાર બૅટિંગ જોવી હતી, પરંતુ તેમની આશા પર પાણી ફરી વળ્યું અને છેવટે માર્ચની ચૅમ્પિયન્સ ટ્રોફીના વિજેતા તથા વર્લ્ડ નંબર-વન ભારતે પરાજય પણ જોવો પડ્યો.
વરસાદની સંભાવના હતી જ અને મેઘરાજાએ એ ડર સાચો પાડ્યો અને મૅચને 26-26 ઓવરની કરી નાખવી પડી હતી. પર્થ શહેરમાં દાયકાઓથી વન-ડે મૅચો રમાય છે, પરંતુ આ વિશ્વ વિખ્યાત શહેરમાં વરસાદને કારણે વન-ડે ટૂંકાવી નાખવી પડી હોય એવું 1983 બાદ (42 વર્ષે) પહેલી વાર બન્યું. 26 ઓવરમાં ભારતે નવ વિકેટે 136 રન કર્યા બાદ ઑસ્ટ્રેલિયાને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ 26 ઓવરમાં 131 રન કરવાનો નવો લક્ષ્યાંક મળ્યો હતો જે તેમણે 21.1 ઓવરમાં મેળવી લીધો હતો.
વિરાટ (Virat)ને હજારો પ્રેક્ષકોનું સ્ટૅન્ડિંગ ઑવેશન મળ્યું હતું. 2018માં પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં તેણે ફટકારેલી સેન્ચુરી (123) તેની યાદગાર સદીઓમાં ગણાય છે અને ગયા વર્ષે તેણે અંતિમ ટેસ્ટ સેન્ચુરી (100 અણનમ) પણ આ જ મેદાન પર ફટકારી હતી, પણ રવિવારે તેને આ સ્ટેડિયમ ન ફળ્યું. જોકે તે મિચલ સ્ટાર્કના બૉલમાં ઝીરોમાં બૅકવર્ડ પૉઇન્ટ પર કૅચઆઉટ થયો હતો. તેની પહેલાં રોહિત શર્મા ફાસ્ટ બોલર હૅઝલવૂડના બૉલમાં બીજી સ્લિપમાં કૅચઆઉટ થયો હતો.
ભારતના ફ્લૉપ-શૉ બાદ ઑસ્ટ્રેલિયાને કૅપ્ટન મિચલ માર્શે (46 અણનમ) આસાન વિજય અપાવ્યો હતો. ભારતના પેસ બોલર્સ ઑસ્ટ્રેલિયન બોલર્સની જેમ પિચમાંથી ફાયદો નહોતા લઈ શક્યા. માર્શે સિરાજ, અર્શદીપ અને હર્ષિત રાણાની બોલિંગમાં એક-એક સિક્સર ફટકારી હતી. ખાસ કરીને સિરાજના બૉલમાં તેણે કવર્સ પરથી ફટકારેલી સિક્સર સૌથી શ્રેષ્ઠ હતી.
આ પણ વાંચો…ઑસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆતમાં ભારતનો ફ્લૉપ-શોઃ આ રહ્યા પરાજયના 11 કારણ