ભારતીયો પાંચ વર્ષે પાછા વન-ડે રમવા ઑસ્ટ્રેલિયામાંઃ રવિવારે પ્રથમ મૅચ...
સ્પોર્ટસ

ભારતીયો પાંચ વર્ષે પાછા વન-ડે રમવા ઑસ્ટ્રેલિયામાંઃ રવિવારે પ્રથમ મૅચ…

ભારતીયો ઑસ્ટ્રેલિયામાં 54માંથી માત્ર 14 વન-ડે જીત્યા છે, 38 હાર્યા છે

પર્થઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે (ભારતીય સમય મુજબ સવારે 9.00 વાગ્યાથી) વન-ડે સિરીઝની પ્રથમ મૅચ શરૂ થશે અને એ સાથે રોહિત શર્મા તથા વિરાટ કોહલી જેવા બે મહારથીઓના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે જ, નવા સુકાની શુભમન ગિલ ટેસ્ટ પછી હવે વન-ડેમાં સુકાન કેવી રીતે સંભાળે છે અને બૅટિંગમાં પોતે કેવું પર્ફોર્મ કરે છે એ જોવામાં પણ સૌને રસ રહેશે.

ઉલ્લેખનીય છે કે ભારતીયો છેલ્લે ડિસેમ્બર, 2020માં ઑસ્ટ્રેલિયા (Australia)માં વન-ડે શ્રેણી રમ્યા હતા જેમાં આરૉન ફિન્ચના સુકાનમાં વિરાટ કોહલી ઍન્ડ કંપનીનો 1-2થી પરાજય થયો હતો.

જોકે એ શ્રેણીની છેલ્લી વન-ડે એટલે કે બીજી ડિસેમ્બર, 2020ના રોજ રમાઈ હતી જેમાં ભારતે (India) 13 રનથી વિજય મેળવીને પોતાનો વાઇટવૉશ ટાળ્યો હતો. ખુદ વિરાટે એમાં 63 રન કર્યા હતા. જોકે એ મૅચના બીજા મૅચ-વિનર્સ આ વખતની સિરીઝમાં નથી.

પાંચ વર્ષ પહેલાંની એ મૅચમાં હાર્દિક પંડ્યાએ અણનમ 92 રન અને રવીન્દ્ર જાડેજાએ અણનમ 66 રન કરીને ભારતને 302/5નો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. શાર્દુલ ઠાકુરની ત્રણ તેમ જ જસપ્રીત બુમરાહ અને નટરાજનની બે-બે વિકેટ અને જાડેજા-કુલદીપની એક-એક વિકેટને કારણે ઑસ્ટ્રેલિયાની ટીમ 289 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ભારતનો રોમાંચક વિજય થયો હતો.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 1980થી 2025 સુધીમાં કુલ 152 વન-ડે રમાઈ છે જેમાંથી 84 ઑસ્ટ્રેલિયાએ અને 58 ભારતે જીતી છે. 10 વન-ડે અનિર્ણીત રહી છે. ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીયો એની સામે 54 વન-ડે રમ્યા છે જેમાંથી માત્ર 14 જીત્યા છે અને 38 હાર્યા છે. બે મૅચ અનિર્ણીત રહી છે.

આ પણ વાંચો…ગાંગુલી કહે છે, ` રોહિત સાથે વાત કર્યા પછી જ ગિલને વન-ડેનો કૅપ્ટન બનાવાયો હશે’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button