ઇંગ્લૅન્ડે 5,468 દિવસ રાહ જોઈ અને બે જ દિવસમાં ખેલ ખતમ કરી નાખ્યો…

13 દિવસમાં ચાર ટેસ્ટ રમાઈ!: મેલબર્નની ઍશિઝ ટેસ્ટના બીજા રેકૉર્ડ-બે્રક આંકડા જાણશો તો ચોંકી જશો
મેલબર્નઃ અહીં શનિવારે ઑસ્ટ્રેલિયા સામે કટ્ટર હરીફ ઇંગ્લૅન્ડ (England)ની જીત સાથે ઍશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ અનેક રસપ્રદ વળાંકો સાથે રોમાંચક હાલતમાં પૂરી તો થઈ, પરંતુ આ મૅચમાં જે પણ અનિચ્છનીય બન્યું એની અસર આવતા મહિનાઓ અને વર્ષોમાં જોવા મળશે.
ટેસ્ટ-ક્રિકેટના ફૉર્મેટને આવી ટૂંકી ટેસ્ટ મૅચ જ ભયજનક તેમ જ પાયમાલ કરી નાખતી હોય છે અને મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)નું ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ પણ હવે એનું સાક્ષી બની રહ્યું છે, કારણકે આ મૅચમાં ઘણા નવા વિક્રમો રચાયા અને પાંચ દિવસની ટેસ્ટ લગભગ માત્ર પોણાબે દિવસમાં પૂરી થઈ. વધુ નવાઈની વાત એ છે વર્તમાન ઍશિઝ સિરીઝની ચાર ટેસ્ટ કુલ મળીને માત્ર 13 દિવસમાં રમાઈ. પર્થની ટેસ્ટ બે દિવસમાં પૂરી થઈ. બ્રિસ્બેનની ટેસ્ટ ચાર દિવસમાં પૂરી થઈ, ઍડિલેઇડની ટેસ્ટ પાંચ દિવસમાં અને હવે મેલબર્નની ટેસ્ટ બે દિવસમાં પૂરી થઈ.
હજી શુક્રવારે તો આ ટેસ્ટ શરૂ થઈ અને શનિવારે ટી-ટાઇમ બાદ પૂરી થઈ ગઈ હતી. બેન સ્ટૉક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડે 175 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ છ વિકેટ ગુમાવીને 178 રનના ટોટલ સાથે વિજય મેળવી લીધો હતો.
મેલબર્ન ટેસ્ટની રેકૉર્ડ-બુક
(1) ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયા (Australia)માં ફરી ટેસ્ટ જીતવા માટે લગભગ 15 વર્ષ સુધી (5,468 દિવસ સુધી) રાહ જોવી પડી અને તક મળી એટલે બે જ દિવસમાં વિજય મેળવી લીધો. જાન્યુઆરી, 2011 બાદ બ્રિટિશરો ઑસ્ટ્રેલિયાની ધરતી પર 18 ઍશિઝ ટેસ્ટ રમ્યા જેમાંથી સતતપણે વિક્રમજનક 16 મૅચ હારી ગયા અને બે મૅચ ડ્રૉમાં ગઈ હતી. છેક 19મી ટેસ્ટમાં તેમને જીતવા મળ્યું.
(2) ઑસ્ટ્રેલિયામાં વર્તમાન ઍશિઝ શ્રેણી પહેલાં કુલ 450 ટેસ્ટ રમાઈ હતી જેમાંથી માત્ર બે ટેસ્ટ (1931માં વેસ્ટ ઇન્ડિઝ સામે, 2022માં સાઉથ આફ્રિકા સામે) ફક્ત બે દિવસમાં પૂરી થઈ હતી, પણ આ વખતે એક જ સિરીઝમાં બે ટેસ્ટ (ગયા મહિને પર્થમાં અને ગઈ કાલે મેલબર્નમાં) માત્ર બે દિવસમાં પૂરી થઈ ગઈ.

ઍશિઝમાં અગાઉ 1921માં ટેસ્ટ બે દિવસમાં પૂરી થઈ હતી અને ત્યાર બાદ હવે પાંચ જ અઠવાડિયામાં ઍશિઝ શ્રેણીની બે ટેસ્ટ બે દિવસમાં સમેટાઈ ગઈ. 1896 પછી પહેલી વાર એવું બન્યું જેમાં કોઈ પણ બે દેશ વચ્ચેની એક જ ટેસ્ટ શ્રેણીમાં બે મૅચ બે દિવસમાં પૂરી થઈ.
(3) ઑસ્ટ્રેલિયન ટીમ મેલબર્ન ટેસ્ટમાં માત્ર 479 બૉલ રમી શકી. અગાઉ છેક 1928ની બ્રિસ્બેન ટેસ્ટમાં આવું બન્યું હતું જેમાં તેઓ 457 બૉલ રમી શક્યા હતા.
(4) ઑસ્ટ્રેલિયાએ મેલબર્નમાં એક ટેસ્ટમાં સૌથી ઓછા રન કર્યા હોય એમાં આ વખતની ટેસ્ટના એના 284 રન બીજા નંબરે છે. આ અગાઉ, 1928ની સાલમાં કાંગારુઓ ટેસ્ટમાં માત્ર 246 રન કરી શક્યા હતા.
(5) ઇંગ્લૅન્ડનો જૉ રૂટ ઑસ્ટ્રેલિયામાં સતત 17 ટેસ્ટમાં વિજય નહોતો જોઈ શક્યો અને છેક હવે મેલબર્નમાં જીત માણી.
(6) ઍશિઝ ટેસ્ટમાં કોઈ ટીમે એક પણ બૅટ્સમૅનની હાફ સેન્ચુરી વિના વિજય મેળવ્યો હોય એવું 1981 બાદ (44 વર્ષે) પહેલી વાર બન્યું. એકંદરે, ઇંગ્લૅન્ડે તમામ હરીફ ટીમોને ધ્યાનમાં લેતાં પચીસ વર્ષે એકેય હાફ સેન્ચુરી વિના ટેસ્ટ જીતી લીધી.
(7) ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું જેમાં આખી ટેસ્ટમાં સ્પિનરને એક પણ ઓવર બોલિંગ કરવા ન મળી.
(8) આ 2,615મી ટેસ્ટ હતી જેમાંથી મેલબર્નની મૅચ ગણીને કુલ 27 ટેસ્ટ બે દિવસમાં પૂરી થઈ ચૂકી છે.
આ પણ વાંચો…ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે કબૂલ્યું,` મેલબર્નની પિચ ટેસ્ટ ક્રિકેટના હિતની વિરુદ્ધમાં’



