ઑસ્ટ્રેલિયાને જીતવા 202 રનની, ન્યૂ ઝીલૅન્ડને છ વિકેટની જરૂર
ક્રાઇસ્ટચર્ચ: કેન વિલિયમસન અને ટિમ સાઉધી 100મી ટેસ્ટ રમી રહ્યા છે અને ભારતના રવિચન્દ્રન અશ્ર્વિનની જેમ તેમને પણ પોતાની આ ઐતિહાસિક ટેસ્ટમાં વિજય માણવાનો મોકો મળી શકે એમ છે.
અહીં ક્રાઇસ્ટચર્ચના મેદાન પર રવિવારે સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટમાં ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયાને જીતવા 279 રનનો નાનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ એણે 77 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. હવે કાંગારૂઓને 2-0થી કિવીઓનો વ્હાઇટવૉશ કરવા માટે બીજા 202 રનની જરૂર છે, જ્યારે ન્યૂ ઝીલૅન્ડે માત્ર છ વિકેટ લેવાની બાકી છે. સ્ટીવ સ્મિથ, ખ્વાજા, લાબુશેન અને કૅમેરન ગ્રીન આઉટ થઈ ગયા હતા, જ્યારે ટ્રેવિસ હેડ (17) અને મિચલ માર્શ (27) રમી રહ્યા હતા. પ્રથમ દાવમાં સાત વિકેટ લેનાર મૅટ હેન્રીએ બીજા દાવમાં બે તથા બેન સીઅર્સે બે વિકેટ લીધી હતી. એ પહેલાં, કિવીઓનો બીજો દાવ 372 રને પૂરો થયો હતો જેમાં ચાર પ્લેયર (લેથમ, વિલિયમસન, રાચિન, ડેરિલ મિચલ)ની હાફ સેન્ચુરી હતી. વિલિયમસન 100મી ટેસ્ટમાં હાફ સેન્ચુરી ફટકારવામાં સફળ રહ્યો હતો. ઑસ્ટ્રેલિયા વતી કમિન્સે ચાર અને લાયને ત્રણ વિકેટ લીધી હતી.
પહેલા દાવમાં ન્યૂ ઝીલૅન્ડના 162 રનના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ 256 રન બનાવ્યા હતા.